રાજ્યમાં જીબીએસની બીમારીના 140 કેસ, મૃત્યુનો આંક 4 થયો
વધુમાં વધુ કેસ પુણેમાં નોંધાયા
પુણેમાં વધુ એક પેશન્ટે જીવ ગુમાવ્યો
મુંબઈ - મહારાષ્ટ્રમાં જીબીએસ (ગિલન-બેર-સિન્ડ્રોમ)ની બીમારીથી પુણેમાં વધુ એક દરદીનું મૃત્યુ થતા મૃત્યુનો આંક વધીને ચાર પર પહોંચ્યો છે. આ સાથે જ જીબીએસના દરદીઓની સંખ્યા ૧૪૦ ઉપર પહોંચી છે.
પુણેના સિંહગઢ રોડ ઉપર ધાપરી વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષના સિનિયર સિટીઝનનું શુક્રવારે જીબીએસની બીમારીને કારણે મૃત્યુ થયું હોવાની શંકા છે.
પુણે મહાપાલિકાના આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ વૃદ્ધ દરદીને ઝાડા થવા માંડયા હતા અને શરીરમાં નબળાઈ વર્તાવા લાગી હતી. આથી તેને ૨૭ જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી શુક્રવારે હાર્ટઅટેકથી મૃત્યુ થયું હતંુ.
રાજ્યના આરોગ્ય વિભાગે આપેલી જાણકારી મુજબ રાજ્યમાં જીબીએસ ૧૪૦ સંભવિત કેસ નોંધાયા હતા એમાંથી ૯૮ દરદીને જીબીએસ લાગુ પડયાની લેબ ટેસ્ટને આધારે પુષ્ટિ મળી છે. આમાંથી ૨૬ પેશન્ટ પુણે શહેરના, ૭૮ દરદી પુણે મહાપાલિકા ક્ષેત્રમાં સમાવી લેવામાં ાવેલા ગામડાઓના, ૧૫ દરદી પિંપરી-ચિંચવડના, ૧૦ દરદી પુણે ગ્રામીણના અને ૧૧ દરદી અન્ય જિલ્લાના છે.
શુક્રવારે જીબીએસનો કોઈ નવો કેસ નોંધાયો નથી. મહારાષ્ટ્રમાં વધુમાં વધુ કેસ પુણે અને આસપાસના વિસ્તારોમાં જ નોંધાયા છે. એટલે જ પુણેના વિવિધ ભાગોમાંથી એકઠા કરવામાં આવેલા પાણીના ૧૬૦ નમૂના ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સિંહગઢના એક ખાનગી કૂવાના પાણીના નમૂના તપાસવામાં આવતા એમાં ઇ-કોલી બેક્ટેરિયા મળી આવ્યા હતા. એટલે સિંહગઢ રોડ એરિયામાંથી પાણીના વધુ નમૂના ભેગા કરીને તપસા માટે મોકલવામાં આવ્યા છે.
દરમિયાન પુણે ઉપરાંત નાગપુર, અકોલા, સાતારા અને કરાડમાં પણ જીબીએસના કેસ આવતા આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે.