નેપાળમાં બસ દુર્ઘટનામાં જળગાવના 14 પર્યટકોના મોત, 31ને ઈજા
મહારાષ્ટ્રના 40 મુસાફરોની બસ નદીમાં ખાબકી
તમામ દર્શનાર્થીઓ અયોધ્યા સહિતના સ્થળોની યાત્રા બાદ નેપાળ પહોંચ્યા હતાઃ મહારાષ્ટ્ર સરકાર ભારતીય દૂતાવાસના સંપર્કમાં
મુંબઇ : મહારાષ્ટ્રના ૪૦ પર્યટકો સાથે નીકળેલી એક બસ નેપાળની એક નદીમાં ખાબકતા થયેલી ભીષણ દુર્ઘટનામાં ૧૪ પર્યટકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે ૩૧ વ્યક્તિ ઈજા પામ્યા હતા. આ તમામ પર્યટકો જળગાવ જિલ્લાના ભુસાવળ તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે. મહારાષ્ટ્ર સરકાર ભોગ બનેલાઓના બચાવકાર્ય અને તેમને પાછા ભારત લાવવા નેપાળમાં આવેલ ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે બસમાં મુસાફરી કરતા મોટા ભાગના મુસાફરો જળગાવના છે. જળગાવના જિલ્લાધિકારી યુપીના મહારાજ ગંજના જિલ્લાધિકારી સાથે સંપર્કમાં છે અને મૃતકો તેમ જ ઇજાગ્રસ્તોને પાછા લાવવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર મહારાષ્ટ્રના જળગાવ જિલ્લાના ભુસાવળ તાલુકાના રણગાવ, પિંપળગાવ, તળવેલ ગામના ૧૦૪ મુસાફરો ૧૬થી ૨૮ ઓગસ્ટ દરમિયાન ત્રણ લક્ઝરી બસ કરી નેપાળ ગયા હતા. આ લોકો બે દિવસ પહેલા જ અમુક સ્થળોની યાત્રા પતાવી નેપાળ પહોંચ્યા હતા. આ લોકો બે દિવસથી પોખરામાં હતા અને આજે કાઠમંડુ જવા રવાના થયા હતા ત્યારે એક બસ માર્સ્યાગડી નદીમાં ખાબકી હતી. ત્રણેય બસમાં પ્રવાસ કરતા લોકો અમુક કુંટુબનાં સભ્યો છે અને આપસમાં સંબંધીઓ થાય છે. આ ઘટનાને લીધે ભુસાવળ તાલુકાના ઉક્ત ગામોમાં શોકકળા ફરી વળી છે.
ર્ે મહારાષ્ટ્રના રાહત અને પુનર્વસન પ્રધાન અનિલ પાટિલે આ દુર્ઘટના બાદ સરકાર ઉત્તર પ્રદેશના રાહત અને પુનર્વસન કમિશનર અને કાઠમંડુના ભારતીય દૂતાવાસના સતત સંપર્કમાં છે. આ સંદર્ભે જળગાવના એનસીપી (એસપી)ના નેતા એકનાથ ખડસેએ જણાવ્યું હતું કે દુર્ઘટનાગ્રસ્ત બસમાં જળગાવના વરણગાવના લોકો હતા જે ચાર દિવસ પહેલા અયોધ્યા થઈને નેપાળ પહોંચ્યા હતા. આ દુર્ઘટના બાદ તેઓ અકસ્માતગ્રસ્તોના ઘરે પહોંચી ગયા હતા અને તેમને સાંત્વના આપી હતતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમના પુત્રવધૂ અને કેન્દ્રમાં પ્રધાન રક્ષા ખડસે દુર્ઘટનાગ્રસ્તોને પાછા લાવવા કાઠમંડુ જશે. ખડેસેએ જણાવ્યું હતું કે અકસ્માતમાં મૃતકોનો આંકડો વધવાની સંભાવના છે.