મુંબઇથી પુણે આવેલી કારમાંથી 139 કરોડની જવેલરી પકડાતાં દોડધામ
ચૂંટણી પંચની સર્વેલન્સ ટીમે કાર આંતરી જર્પ્તી કરી
પુણેમાં ઝવેરીની વિવિધ દુકાનોમાં દાગીના કાયદેસરના દસ્તાવેજો બિલ સાથે મોકલાઈ રહ્યાં હતાં : જ્વેલરી ફર્મનો દાવો
મુંબઇ : વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે ત્યારે ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સ ટીમે (એસએસટી) પુણેમાં આજે શંકાસ્પદ વાહનોની તપાસ કરતા મુંબઇથી આવેલી લોજિસ્ટિક્સ સર્વિસ ફર્મના વાહનમાંથી રૃા.૧૩૯ કરોડની સોનાની જ્વેલરી મળી આવતા ચકચાર જાગી હતી આ સોનાને લઇને જાતજાતની ચર્ચા થઇ રહી હતી. પરંતુ બાદમાં જ્વેલરી કંપનીએ આ સોનું કાયદેસર હોવાનો દાવો કર્યો હતો. જ્વેલરીના જરૃરી દસ્તાવેજો હોવાનું કહ્યું હતું.
તાજેતરમાં પુણેમાં કારમાંથી રૃા.પાંચ કરોડની રોકડ રકમ મળી હતી. જેને લીધે રાજકીય પક્ષોએ એક બીજા પર આરોપ કર્યા હતા.
૨૦ નવેમ્બરના મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઠેર ઠેર ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે. ઝોન-૨ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સ્માર્તના પાટીલે જણાવ્યું હતું કે પુણેના સહકાર નગરમાં આજે સવારે નાકાબંધી કરવામાં આવી હતી. ત્યારે સિકવલ ગ્લોબલ પ્રેશિયસ લોજિસ્ટકસના એક ટેમ્પોને અટકાવવામાં આવ્યો હતો. વાહનની તપાસ કરતા અંદર બોક્સમાં સોના દાગીના મળી આવ્યા હતા. એની કિંમત અંદાજે રૃા.૧૩૯ કરોડ છે. મુંબઇથી આ ગાડી પુણે આવી હતી. આ બનાવની ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી છે.
સહકાર નગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર કાપસેએ જણાવ્યું હતું કે આ ગાડીમાં ડ્રાઇવર અને એક ગાર્ડ હતા. તેમની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દાગીના જ્વેલરી કંપનીના હોવાનું જાણવા મળ્યું છે.
જ્વેલરી ફર્મ પીએન ગાડગીલ એન્ડ સન્સના સીઇઓ અમિત મોદકે જણાવ્યું હતું કે પુણેની જુદી જુદી જ્વેલરી શોપમાં દાગીના લઇ જવામાં આવી રહ્યાહતા. એમાં તેમની પેઢીના ૧૦ કિલોના કાર્ગોનો સમાવેશ છે. દરેક દાગીના સાથે એક જીએસટી ઇન્વૉઇસ જોડાયેલ છે. ડ્રાઇવરને પણ ખબર નહોતી કે બોક્સની અંદર શુ છે. એની ફક્ત દાગીના મોકલનાર અને મેળવનાર ઝવેરીને જાણ હતી એમાં અમારી શાખાઓ દ્વારા મોકલવામાં આવેલા જૂના દાગીના પણ હતા. આ ઉપરાંત ૧ થી ૧.૫ કરોડના હીરાના દાગીના હતા. આ કાયદેસર કન્સાઇનમેન્ટ છે. એના જરૃરી દસ્તાવેજો છે.