13 એસટી બસોની તોડફોડઃ 30 ડેપો બંધ કરી દેવાયા

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
13 એસટી બસોની તોડફોડઃ 30 ડેપો બંધ કરી દેવાયા 1 - image


મરાઠા આંદોલનમાં એસટી બસો નિશાન બની

રવિવારે રાત સુધીમાં 9 બાદ સોમવારે વધુ 4 બસોની તોડફોડઃ બીડ-છત્રપતિ સંભાજી નગરમાં સૌથી વધુ અસર

મુંબઈ :  મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનમાં વકરેલી હિંસાને પગલે એસટી બસોને નિશાન બનાવવાનું શરુ કરાયું છે. સોમવારે સાંજ સુધીના ૪૮ કલાકમાં કુલ ૧૩ બસોને નુકસાન પહોંચાડાયું હતું. એસટી તંત્રએ વધુ નુકસાન અટકાવવા આંદોલનની સૌથી વધુ અસર જ્યાં છે તેવા ૩૦ ડેપો બિલકૂલ બંધ કરી દીધા હતા. 

એસટીના સુત્રોએ જણાવ્યું હતું કે રવિવારની રાત સુધીમાં કુલ નવ બસોને નિશાન બનાવાઈ હતી. તે પછી સોમવારે સાંજ સુધીમાં વધુ ચાર બસોની તોડફોડ કરવામાં આવી હતી. 

મહારાષ્ટ્ર એસટીના કુલ ૨૫૦ ડેપો છે તેમાંથી ૩૦ ડેપોનું સંચાલન સદંતર બંધ કરી દેવાયું છે. તેમાંથી મોટાભાગના ડેપો  છત્રપતિ સંભાજી નગર ડિવિઝનના છે. બીડ તથા ધારાશિવના પણ સંખ્યાબંધ ડેપો બંધ કરી દેવાયા છે. સોમવાર સાંજ સુધીમાં આ ડિવિઝનમાં માત્ર ૧૭ ડેપોનું સંચાલન ચાલુ રખાયું હતું. જોકે, જે રીતે મરાઠા આંદોલન વિસ્તરી રહ્યું છે તે જોતાં તેમાંથી કેટલાનું સંચાલન ચાલુ રાખી શકાશે તે એક સવાલ છે. 

મહારાષ્ટ્ર એસટી નિગમ દરરોજ ૧૫ હજાર બસો દોડાવે છે અને રોજના ૬૦ લાખ પ્રવાસીઓ તેમાં અવરજવર કરે છે. 

તહેવારો સમયે એસટી નિગમને મહત્તમ આવક થતી હોય છે. પરંતુ, આ વખતે મરાઠા અનામત આંદોલન વકરતાં તહેવારો ટાણે જ એસટી નિગમને ફટકો પડી શકે છે. આ ઉપરાંત તહેવારોમાં પોતાના વતન જવા ઈચ્છતા પ્રવાસીઓ પણ મુશ્કેલી અનુભવી શકે છે.



Google NewsGoogle News