ઘાટકોપરની ઈમારતમાં મધરાતે આગ લાગતાં 13 જણ ગૂંગળાયાં
ફાયર બ્રિગેડે આશરે ૯૦ લોકોનું રેસક્યુ કર્યું
ગૂંગળાયેલાં ૧૩માંથી એકને સારવાર બાદ રજા અપાઈ, ૧૨ની સારવાર ચાલું; ઈલેક્ટ્રિક મીટર કેબિનમાં આગ લાગતાં ભડકો થયો
મુંબઈ: ઘાટકોપર પૂર્વમાં રમાબાઈ કોલોની વિસ્તારમાં આવેલી શાંતી સાગર બિલ્ડીંગમાં શુક્રવારની મધરાતે ૧.૩૦ વાગ્યે ભીષણ આગ લાગી હતી. આગને કારણે બિલ્ડીંગમાં સર્વત્ર ધૂમાડો ફેલાઈ જતાં ૧૩ જણ ગૂંગળાવાને કારણે હૉસ્પિટલમાં ખસેડાયાં હતાં. તેમાંથી ૧૨ જણની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તો એકને સારવાર બાદ રજા અપાઈ હોવાની માહિતી મળી હતી.
શાંતી સાગર નામક સાત માળની ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોરમાં ઈલેક્ટ્રિક મીટર કેબિનમાં શુક્રવારની મધરાત બાદ આગ લાગી હતી. આગ એ ઈલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવતાં મોટો ભડકો થયો હતો અને આગને કારણે આખી બિલ્ડીંગમાં ધૂમાડો ફેલાઈ ચૂક્યો હતો. જોકે મધરાતે આગ લાગતાં લોકોને કંઈ જાણ થાય તે પહેલાં જ ધૂમાડાને કારણે ગભરાઈ ગયાં હતાં. છતાં ૯૦ લોકોને બચાવી લેવામાં આવ્યાં હતાં.
ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. મોટે પાયે ધૂમાડો ફેલાઈ ગયો હોવાથી ફાયરબ્રિગેડને પણ વિવિધ માળા પર ફસાયેલાં લોકોને બચાવવામાં ભારે અડચણો આવી રહી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ૮૦થી ૯૦ લોકોનું દાદરા પરથી રેસ્ક્યુ કર્યું હતું. આ દુર્ઘટનામાં હર્ષા ભિસે (૩૫), સ્વિટી કદમ (૩૫), જાનવી રાઈગાંવકર (૧૭), પ્રિયંકા કાળે (૩૦), જસિમ સૈયદ (૧૭), જ્યોતિ રાઈગાંવકર (૩૨), ફિરોજા શૈખ (૩૫), લક્ષ્મી કદમ (૫૦), માનસી શ્રીવાસ્તવ (૨૪), અક્ષરા દાતે (૧૯), અબિદ શાહ (૨૨), અમીર ખાન (૨૭) ગૂંગળાવાને કારણે ઘાયલ થયાં હતાં. તેમને પાસેની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં હતાં. આમિર ખાન (૨૭) ને સારવાર બાદ તુરંત ડિસ્ચાર્જ આપી દેવાયો હતો.