માહિમની પોલીસ કોલોનીમાં જ એક રાતમાં 13 ઘરનાં તાળાં તૂટયાં
ચોરો કિંમતી ચીજોની સાથે પોલીસની આબરુ પણ ઉઠાવી ગયા
સોસાયટીની ઓફિસ ઉપરાંત પ્લે ગૂ્રપમાં પણ ત્રાટક્યા, મોટાભાગના કર્મચારીઓ નાઈટ ડયૂટી પર હતા ત્યારે ચોરી
મુંબઇ : માહિમ પોલીસ કોલોનીમાં આવેલ પોલીસના જ ૧૩ કવાર્ટર્સના તાળા તૂટતા ખળભળાટ મચી ગયો છે. એક જ ચોરટાએ ઘરના તાળાઓ તોડી રોકડ અને કિંમતી વસ્તુઓ ચોરી હતી. આ ઘટના બની ત્યારે મોટા ભાગના લોકો ઘરમાં હાજર નહોતા. ચોર આટલેતી અટક્યો નહોતો પણ કોલોનીમાં આવેલી સોસાયટીની ઓફિસ અને પ્લેગુ્રપ વિસ્તારને પણ નિશાન બનાવ્યો હતો. આ બાબતના સીસીટીવી ફૂટેજ પોલીસે મેળવ્યા છે અને આરોપીને ટૂંક સમયમાં પકડી લેવાશે તેવી આશા પોલીસે વ્યક્ત કરી છે.
ા સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર ચોરીની આ ઘટના ૧૬ અને ૧૭ તારીખની વચ્ચે મધરાતે બની હતી. ૧૭ ઓગસ્ટના રોજ સવારે ૭.૩૦ વાગ્યે જ્યારે પોલીસ કવાર્ટરની દેખરેખ રાખતા કોન્સ્ટેબલ મોહિતેને એક પોલીસકર્મી કે જેના ઘરના તાળા તૂટયા હતા તેણે જાણ કરતા આ સમગ્ર ઘટના બહાર આવી હતી. ચોરીની જાણ થતા મોહિત ત્યાં પહોંચ્યા હતા અને પોલીસના ૧૩ બંધ ઘરોના તાળા તૂટયા હોવાનું સ્પષ્ટ થયું હતું. આ ઘટના દરમિયાન અમૂક કર્મચારીઓ નાઇટ ડયુટી પર હતા જ્યારે અમૂક કર્મચારીઓ પરિવાર સાથે રજા પર હોવાથી આ તમામ ઘરો બંધ હતા. આ વાતનો લાભ ઉઠાવી ચોરટાએ પ્રથમ બંધ ઘરોની રેકી કરી હતી અને ત્યાર બાદ તાળો તોડી ઘર ફોડી આચરી હતી.
આ સંદર્ભે એક અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ૧૩ ઘરમાં ચોરી થઇ છે ચોરાયેલી વસ્તુની કિંમત મોટી હોઇ શકે છે કારણે કે હજી ઘણા પોલીસ કર્મીઓ રજા પતાવી પાછા ફર્યા ન હોવાથી ચોરીની રકમનો સાચો આંકડો મેળવી શકાયો નથી. આ ઘટના બાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૩૧(૪) ૩૨૪ (૪) અને ૩૦૫ હેઠળ અજાણ્યા ચોરટા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચોરટાનો ચહેરો સીસીટીવીમાં આવી ગયો હોવાથી તેને વહેલી તકે પકડી પાડવામાં આવશે તેવી આશા એક પોલીસ અધિકારીએ વ્યક્ત કરી હતી.