Get The App

મહારાષ્ટ્રમાં આ વર્ષમાં અત્યાર સુધીમાં 1267 ખેડૂતોની આત્મહત્યા

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં આ વર્ષમાં અત્યાર સુધીમાં 1267 ખેડૂતોની આત્મહત્યા 1 - image


- રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાનો ચિંતાજનક સિલસિલો 

- અમરાવતી જિલ્લામાં સૌથી વધુ ૫૫૭ ખેડૂતોની આત્મહત્યા, છત્રપતિ સંભાજી નગર ડિવિઝનમાં ૪૩૦ ખેડૂતોએ જીવન ટૂંકાવ્યું

મુંબઈ : આ વર્ષના પ્રથમ છ મહિનામાં મહારાષ્ટ્રમાં ૧,૨૬૭ ખેડૂતોએ આત્મહત્યા કરવાના બનાવ બન્યા છે જેમાં રાજ્યના વિદર્ભ વિસ્તારનો અમરાવતી જિલ્લો ૫૫૭ આત્મહત્યા સાથે સૌથી વધુ પ્રભાવિત રહ્યો છે. તેના પછી છત્રપતિ સંભાજીનગર ડિવિઝનમાં ૪૩૦ આત્મહત્યા, નાશિક ડિવિઝનમાં ૧૩૭, નાગપુર ડિવિઝનમાં ૧૩૦ અને પુણે ડિવિઝનમાં આત્મહત્યાના ૧૩ કેસ નોંધાયા હતા. કોંકણ ડિવિઝનમાં ખેડૂતોની આત્મહત્યાનો એકપણ કિસ્સો નહોતો નોંધાયો. 

રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાના ચિંતાજનક વલણની પુષ્ટી નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)ના ડાટામાંથી થઈ હતી. ૨૦૨૨માં રાજ્યમાં સમગ્ર દેશમાં ખેડૂતોની આત્મહત્યાના કેેસમાં મહારાષ્ટ્ર ૩૭.૬ ટકા સાથે સૌથી અગ્રેસર રહ્યું હતું. ૨૦૨૨માં કૃષિક્ષેત્રમાં આત્મહત્યા કરનારા ૧૧,૨૯૦માંથી ૫,૨૦૭ ખેડૂતો હતા અને ૬,૦૮૩ કૃષિ કામદારો હતા. 

આગલા વર્ષોમાં પણ આવી જ પેટર્ન જોવા મળી હતી. ૨૦૨૧માં કૃષિ ક્ષેત્રમાં ૧૦,૮૮૧ જણાએ આત્મહત્યા કરી હતી જ્યારે ૨૦૨૦માં ૧૦,૬૭૭ જણાએ જીવન ટૂંકાવ્યું હતું. બંને વર્ષોમાં મહારાષ્ટ્રનો હિસ્સો ૩૭ ટકા રહ્યો હતો.

૨૦૨૨માં સમગ્ર દેશમાં થયેલા આત્મહત્યા કરનારા કુલ ૧,૭૦,૯૨૪માંથી  ૬.૬ ટકા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા. ૨૦૨૧ અને ૨૦૨૦માં પણ દેશમાં આત્મહત્યાના કુલ કિસ્સામાંથી ૬ ટકાથી વધુ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા. આ તમામ વર્ષોમાં પણ ખેડૂતોની આત્મહત્યાની બાબતમાં મહારાષ્ટ્ર ૩૭ ટકા સાથે સૌથી અગ્રસેર રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે દેશના જીડીપીમાં મહારાષ્ટ્રનો ફાળો સૌથી વધુ હોવા છતાં તે ખેડૂતોની આત્મહત્યાની નિરાશા ઉપજાવનારી બાબતનો સામનો કરી રહ્યું છે.



Google NewsGoogle News