માલેગાવમાં બેકાર યુવાનોના ખાતામાં અચાનક 125 કરોડ જમા
વિધાનસભા ચૂંટણી પૂર્વે નાસિકમાં ચોંકાવનારો મામલો
મુંબઇ : નાસિકના માલેગાંવમાં મર્ચન્ટ બેંકની શાખામાં છેલ્લા પંદરથી વીસ દિવસમાં બેરોજગાર યુવાનોના ખાતામાં અચાનક અંદાજે રૃા. ૧૨૫ કરોડ જમા કરવામાં આવતા ચકચાર જાગી છે. નોકરી અપાવવાના બહાને બેરોજગાર યુવાનોના દસ્તાવેજો મેળવી બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા હતા.
આ યુવકોને માલેગાવ બજાર સમિતિમાં નોકરી અપાવવાના સ્વપ્ન દાખવીને સિરાજ અહેમદે તેમની પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ અને સહીઓ લીધી હતી. એના આધારે બનાવટી કંપનીઓ અને બેંકમાં ખાતા ખોલીને કરોડો રૃપિયા જમા કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ૧૨ યુવકે, મંત્રી દાદા ભુસે પાસે દોડી ગયા હતા તેમણે સંપૂર્ણ પ્રકરણની તપાસ અને ન્યાયની માગ કરી હતી. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીને લેખિત ફરિયાદ કરાઇ છે આ આર્થિક વ્યવહાર કોણે કર્યો હતો એની તપાસ ચાલી રહી છે.