ભાઈ દ્વારા રેપથી સગર્ભા બનેલી 12 વર્ષની કિશોરીને 25 સપ્તાહનો ગર્ભ પડાવવા મંજૂરી
ગર્ભ કાળ પૂરો કરવાથી માનસિક,શારીરિક હાનિ થવાનો અહેવાલ
બાળકીને ગર્ભ રહ્યાની છેક સુધી જાણ ન હતી, પેટમાં દુખાવામાં હોસ્પિટલ ચેક અપમાં ખબર પડી, માતાની ફરિયાદને પગલે ભાઈ સામે ગુનો
મુંબઈ : બોમ્બે હાઈ કોર્ટે ૧૨ વર્ષની બાળકીને ગર્ભપાત કરવાની પરવાનગી આપીને નોંધ્યું હતું કે તેના કલ્યાણ અને સલામતી માટે આ મહત્ત્વનું છે.ન્યા. સંદીપ મારણે અને ન્યા. નીલા ગોખલેની વેકેશન બેન્ચ મેડિકલ રિપોર્ટ વાંચ્યા બાદ આ નિર્ણય લીધો હતો. અહેવાલમાં પચ્ચીસ સપ્તાહનો ગર્ભ પડાવવાની ભલામણ કરાઈ હતી.
બાળકી પર કથિત રીતે તેના ૧૪ વર્ષના ભાઈએ બળાત્કાર કર્યો હતો અનેતેની સામે કેસ નોંધાયો છે, એમ બાળકીની માતાએ હાઈ કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે.
બાળકીને ગર્ભ રહ્યાની છેવટ સુધી જાણ નહોતી. આ મહિને પેટમાં દુખાવો થતાં તેને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તે ગર્ભવતી હોવાનું જણાયું હતું. ત્યારે બાળકીએ પોતાના મોટા ભાઈએ ઘરમાં કોઈ નહોતું ત્યારે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યાનું જણાવ્યું હતું. ભાઈએ તેને ધમકાવી પણ હતી.
માતાની ફરિયાદને પગલે પુત્ર સામે પોક્સ ોહેઠળ અને ભારતીય દંડ સંહિતા હેઠળ કેસ નોંધાયો છે અને તેને બાળ સુધાર ગૃહમાં મોકલ્યો છે.
ગર્ભકાળને લીધે બાળકીના માનસિક અને શારીરિક આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્યતા હોવાનું મેડિકલ બોર્ડે જણાવ્યુંહતું. ગર્ભપાત બાદ હોસ્પિટલે બાળકીને કાઉન્સેલિંગ કરવાનું રહેશે. ગર્ભના યોગ્ય ટિશ્યુ સેમ્પલ જાળવી રાખવા તથા ડીએનએ સેમ્પલ જાળવીને તપાસ અધિકારીને ફોજદારી કાર્યવાહી માટે આપવાનો પણ હોસ્પિટલે નિર્દેશ આપ્યો છે.