મરાઠા અનામત આંદોલનમાં 12 કરોડની જાહેર સંપત્તિનું નુકસાન

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
મરાઠા અનામત આંદોલનમાં 12 કરોડની જાહેર સંપત્તિનું નુકસાન 1 - image


રાજ્યભરમાં 141 કેસો નોંધાયા, 168ની ધરપકડ, 7 કેસ હત્યાના પ્રયાસના

આંદોલનના ગત તબક્કા વખતે થયેલા કેસો રદ કરવા સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે સમાધાન થયું હતું, હવે નવા કેસોઃ બીડમાં કરફ્યૂ ઉઠાવાયો, ઈન્ટરનેટ હજુ બંધ

મુંબઈ : મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનમાં બસો, સરકારી કચેરીઓ તથા અન્ય મિલ્કતોને આગચંપી તથા તોડફોડના બનાવોથી અત્યાર સુધીમાં જાહેર સંપત્તિનું ૧૨ કરોડનું નુકસાન થયું છે. પોલીસે રાજ્યભરમાં આંદોલનકારીઓ સામે કેસ નોંધવાની શરુઆત કરી છે. અત્યાર સુધીમાં ૧૪૧ કેસ નોંધાયા છે અને ૧૬૮ લોકોની ધરપકડ થઈ છે. મરાઠા આંદોલનમાં ગત તબક્કામાં આંદોલનકારીઓ સામેના તમામ કેસો પાછા ખેંચવાનું સમાધાન આંદોલનના નેતાઓ અને રાજ્ય સરકાર વચ્ચે થયું હતું. પરંતુ, હવે ફરીથી શરુ થયેલાં આંદોલનમાં પોલીસે સંખ્યાબંધ કેસો નોંધવા માંડતાં સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે ગજગ્રાહનો એક મુદ્દો ઉમેરાયો છે. 

    રાજ્યના પોલીસ વડા રજનીશ શેઠે જણાવ્યા અનુસાર કુલ નોંધાયેલા કેસોમાંથી સાત કેસ આઈપીસી ૩૦૭ હેઠળના છે. ઉલ્લેખનીય છે કે ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે જ જાહેર કર્યું હતું કે રહેણાંક મકાનો તથા એસટીને આગ ચાંપવાનો મતલબ ત્યાં રહેતા કે બસમા ંઅવરજવર કરતા પ્રવાસીઓને જીવતા સળગાવવાના પ્રયાસ સમાન ગણાય એટલે આવા કેસોમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવશે. બીડ જિલ્લામાં અજિત જૂથના ધારાસભ્ય પ્રકાશ સોળંકે તથા એનસીપીના ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરના ઘરોને આગ ચાંપવામાં આવી હતી. 

બીડ જિલ્લામાંથી કરફ્યૂ ઉઠાવી લેવાયો છે. જોકે, છત્રપતિ સંભાજી નગર જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં ઈન્ટરનેટ પર નિયંત્રણો યથાવત છે. બીડ અને જાલનામાં પણ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરાઈ છે. બીડ જિલ્લામાં રેપિડ એક્શન ફોર્સની કૂમકો તૈનાત કરવામાં આવી છે.  આ ઉપરાંત એસઆરપીએફની ૧૭ કંપનીઓ તૈનાત કરાઈ છે. 

જાહેર સંપત્તિઓને નુકસાના કિસ્સામાં ૧૪૬ આરોપીઓને સીઆરપીસીની કલમ ૪૧ હેટળ નોટિસ અપાઈ છે. 

પુણેમાં ગઈકાલે પુણે-બેગ્લુરુ રોડ પર સળગતાં ટાયરો મૂકી કલાકો સુધી ટ્રાફિક જામ સર્જવામાં આવ્યો હતો. આ ઘટના અંગે ૫૦૦ લોકોનાં ટોળાં સામે ગુનો નોંધાયો છે. સિંહગઢ પોલીસ દ્વારા મહારાષ્ટ્ર પોલીસ એક્ટ તથા અન્ય કાયદાઓ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.



Google NewsGoogle News