હાઉસિંગ સોસાયટીના પુનઃવિકાસના નામે બિલ્ડર સાથે બાર કરોડની છેતરપિંડી
- દંપતી સામે આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો
- રોકાણ પર સારા વળતરની લાલચ આપીને થાણેમાં 24 રોકાણકારો સાથે 6.25 કરોડની છેતરપિંડી
મુંબઇ : થાણેમાં હાઉસિંગ સોસાયટીના પુનર્વિકાસના નામે એક દંપતીએ બિલ્ડર સાથે રુ. ૧૨ કરોડની છેતરપિંડી કરી હતી. પોલીસે આ મામલે દંપતી સામે ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત થાણેમાં ૨૪ રોકાણકારોને માઈક્રો કંપનીમાં રોકાણના નામે સારા વળતરની લાલચ આપીને કંપનીના માલિકોએ રુ. ૬. ૨૫ કરોડની છેતરપિંડી કરી હતી. પોલીસે આ મામલામાં બે શખ્સો સામે કેસ નોંધ્યો હતો.
બિલ્ડરની ફરિયાદ મુજબ, કલ્યાણ પોલીસે શ્રીકાંત પાઈ અને તેની વકીલ પત્ની દિવ્યા સામે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી દંપતીએ જાન્યુઆરી ૨૦૧૮ અને મે ૨૦૨૪ વચ્ચે ફરિયાદી સાથે રુ. ૧૨ કરોડની છેતરપિંડી કરી હતી.
જેમાં થાણેમાં આવેલી એક હાઉસિંગ સોસાયટીના પુનઃવિકાસ માટે ફલેટ ધારકો પાસેથી મંજૂરીઓ અને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવી આપવાનું અને અન્ય ભાડૂતો સામે રહેલ કેસ પાછા ખેંચી આપવાનું વચન આપીને દંપતીએ ફરિયાદી પાસેથી કથિત રીતે પૈસા પડાવ્યા હતા.
જેમાં દંપતીએ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને કથિત રીતે હાઉસિંગ સોસાયટીના કેટલાક ફલેટો પણ વેંચ્યા હતા. આ બધાને કારણે પ્રોજેક્ટમાં નોંધપાત્ર વિલંબ થયો હતો અને ફરિયાદીનું નાણાકીય નુકસાન પણ થયું હતું. તેથી બિલ્ડરે પોલીસનો સંપર્ક કર્યો હતો અને દંપતી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દંપતી સામે ફરિયાદ નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
આ ઉપરાંત થાણેમાં અન્ય એક કિસ્સામાં ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઓક્ટોબર ૨૦૨૦ અને મે ૨૦૨૩ વચ્ચે આ ઘટના બની હતી. જેમાં બે શખ્સોએ કથિત રીતે ૨૪ રોકાણકારોને તેમની કંપનીમાં મની મેકર મલકાનમાં રોકાણ કરીને તેના પર સારુ વળતર મેળવવાની લાલચ આપી હતી. આરોપીએ આમાં દાવો કર્યો હતો કે, તેમની કંપની પાસે માઈક્રો સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઈઝનું માન્ય લાયસન્સ પણ છે.
લોકો પાસેથી મેળવેલ રોકાણ પર છ થી આઠ ટકાનો નફો મેળવાનું આરોપીઓએ રોકાણકારોએ વચન આપ્યું હતું. સારા વળતરની લાલચમાં આવી જતાં લોકોએ અહીં રોકાણ કર્યું હતું. જેમાં ફેબુ્રઆરી બાદ વળતર આપવાનું આરોપીએ બંધ કરી દીધું હતું. આ બાદ કોઈ વળતર કે મૂળ રકમ પરત ન મળતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણીને ૨૪ રોકાણકારોમાંથી એક રોકાણકારે પોલીસનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે પોલીસે આરોપી મનીષ મલકાન અને અર્પિત શાહ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.