કોરિયોગ્રાફર રેમો ડિસોઝા સહિત 7 સામે 12 કરોડની છેતરપિંડીનો ગુનો
ભાયંદરના ડાન્સ ગ્રુપ પર ફિલ્મ બનાવવાનું વચન આપ્યા બાદ ઉચાપત
ડાન્સ ગૂ્રપના યુવકોને પોલીસે દાદ ન આપી, આખરે હાઈકોર્ટે ઓર્ડર આપતાં ગુનો દાખલઃ આરોપીઓમાં રેમોનાં પત્ની તથા એક પોલીસ કર્મચારી પણ સામેલ
મુંબઈ : બોલીવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝા તથા તેની પત્ની સહિત આઠ સામે ભાયંદરના 'વી અનબિટેબલ' ડાન્સ ગૂ્રપ સાથે ૧૨ કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. આરોપીઓમાં એક પોલીસ કર્મચારીનો પણ સમાવેશ થાય છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ આ ગુનો દાખલ કરાયો છે અને આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ-૨ને ટ્રાન્સફર કરવામાં આવી છે.
ભાયંદરના યુવાનોએ ભેગા મળીને 'વી અનબિટેબલ' નામનું ડાન્સ ગૂ્રપ બનાવ્યું હતું. ઓમપ્રકાશ ચૌહાણ આ ગૂ્રપના મેનેજર હતા. તેમણે ગૂ્રપનુંસોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવ્યું હતું. આ જૂથે એક લોકપ્રિય ચેનલ પર સ્પર્ધા જીતી હતી. એ બાદતેમણે અમેરિકામાં 'અમેરિકા ગોટ ટેલેન્ટ'માં બીજું સ્થાન મેળવ્યું હતું. જાણીતા ડાન્સ ડિરેક્ટર રેમા ડિસોઝાએ પણ યુવાનોના જીવન પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. યુવકોના આરોપ અનુસાર તેમને વિવિધ સ્પર્ધાઓ અને ઈવેન્ટ્સમાંથી માનદ વેતન, ઈનામની રકમ, ફિલ્મો માટે મળેલી રકમ વગેરેની ઉચાપત કરી છે. આ અંગે નવઘર પોલીસ અને મીરા રોડ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પરંતુ, કેસ દાખલ કરવામાં ન આવતાં આ યુવકોએ બોમ્બે હાઈકોર્ટમાં ધા નાખી હતી.
હાઈકોર્ટે કેસ દાખલ કરવાનો આદેશ આપ્યા બાદ મીરા રોડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. એમાં રેમો ડિસોઝા એન્ટરટેઈનમેન્ટ કંપનીના ડાયરેક્ટર અને બોલિવુડના પ્રખ્યાત ડાન્સ ડાયરેક્ટર રેમો ડિસોઝા, તેમની પત્ની લિઝેલ ડિસોઝા, મેનેજર ઓમપ્રકાશ ચૌહાણ, કમિશનરેટના પોલીસ કર્મચારી વિનોદ રાઉત, રમેશ ગુપ્તા, રોહિત જાધવ અને ફેમ પ્રોડક્શન કંપની સહિત સાત જણનો સહભાગ છે. આરોપીઓએ કુલ ૧૧.૯૬ કરોડ રૃપિયાની છેતરપિંડી કરી છે.
પોલીસ કર્મચારી સમાધાન કરાવવા જતાં આરોપી બન્યા
હાઈકોર્ટના આદેશ બાદ આ કેસની તપાસ મીરા-ભાયંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટની ક્રાઈમ બ્રાન્ચ-૨ની ટીમને સોંપવામાં આવી છે. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. આ બધું છેલ્લા ૬ વર્ષમાં બન્યું છે. અમે આરોપીઓની ચોક્કસ ભૂમિકા અને કેવી રીતે છેતરપિંડી આચરવામાં આવી તેની તપાસ કરી રહ્યા છીએ, એમ ક્રાઈમ બ્રાન્ચ-૨ના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર શાહુરાજ રાણાવરેએ જણાવ્યું હતું. જ્યારે પોલીસ કર્મચારી વિનોદ રાઉત નવઘર પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે તેઓ વિવાદનું સમાધાન કરવા ગયા હતા. એથી તેમને પણ ફરિયાદમાં આરોપી તરીકે દર્શાવાયા છે.