11મા પ્રયાસે 10મું પાસ કર્યું; પિતાએ ગામમાં સાકર વહેંચી
10માની પરીક્ષામાં દસવાર નાપાસ
નાપાસ થા ચાલશે, પરંતુ 10મું પાસ ન થાય ત્યાં સુધી પરીક્ષા તો આપવી જ પડશે : પિતાની પ્રેરણા
મુંબઇ : આજકાલ સીએ જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં બે-ચાર પ્રયાસ આપી અને તેમાં નાપાસ થતાં યુવાનો હિંમત હારી જતાં હોય છે. ત્યારે સતત પ્રયાસ કરતાં રહીએ તો સફળતા નિશ્ચિત આવીને મળે જ છે. એવો દાખલો સોમવારે જાહેર થયેલાં ધો.૧૦ના પરિણામમાં જોવા મળ્યો છે. બીડના પરળી તાલુકાનો એક વિદ્યાર્થી દસવાર દસમામાં નાપાસ થયાં બાદ અગિયારમા પ્રયાસે બોર્ડની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી છે. તેની આ સફળતાની ખુશીમાં તેના પિતાએ આખા ગામમાં સોમવારે સાકર વહેંચી હતી.
પરળી તાલુકાના ડાબી ગામના રહેવાસી નામદેવ મુંડેનો દીકરો કૃષ્ણા ૨૦૧૮માં દસમામાં હતો. તે સમયે તે પરીક્ષામાં નાપાસ થયો હતો. પિતા નામદેવ એ બાંધકામ કારીગર છે. ગમે તે થાય તોય દીકરો દસમું પાસ હોવો જોઈએ તેવી તેમની પ્રબળ ઈચ્છા હતી. આથી તેમણે તેના દીકરાને કહી રાખ્યું હતું કે તું નાપાસ થશે તો પણ ચાલશે. પરંતુ પાસ ન થાય ત્યાં સુધી પરીક્ષા આપતો રહે. દીકરાને દસમું પાસ જોવાની જીદ્દ આખરે સોમવારે પૂરી થતાં પરિવારમાં આનંદનો માહોલ છવાયો હતો.
નામદેવની આંખમાં સોમવારે ખુશીના આંસુ ઝળક્યાં હતાં. એટલું જ નહિ તો તેના આ અગિયારમા પ્રયાસે પાસ થવા બદ્દલ આખું ગામ સોમવારે આનંદમાં આવી ગયું હતું. આખા ગામે તેની ઘરે પહોંચી તેને શુભેચ્છાઓ આપી હતી અને તેના પિતાએ આખા ગામમાં સાકર વહેંચી હતી. તેના પિતાએ જીદ્દ ન છોડી અને દીકરાને પ્રેમથી સમજાવી પ્રેરણા પૂરી પાડતા રહ્યા તેનું જ આ ઉત્તમ પરિણામ મળ્યું કે દીકરો સારા માર્કે અગિયારમી વારે પાસ થઈ ગયો એનો સૌ ગ્રામજનોએ આનંદ વ્યક્ત કર્યો છે.