નરેન્દ્ર દાભોળકર હત્યા કેસમાં 11 વર્ષે ચુકાદોઃ બેને જન્મટીપ, ત્રણ નિર્દોષ
સનાતન સંસ્થા સાથે જોડાયેલા આરોપીઓ દ્વારા હત્યા થઈ હતી
સક્ષમ અધિકારીની બેદરકારીને લીધે આતંકવાદ વિરોધી ધારાનો ગુનો પુરવાર ન થયોઃ બચાવ પક્ષના વકીલે હત્યાને સાર્થક ગણાવી તે અફસોસજનક
મુંબઈ : પુણેમાં અંદ્ધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના રેશનાલિસ્ટ ડો. નરન્દ્ર દાભોળકરની હત્યાના ૧૧ વર્ષ બાદ વિશેષ કોર્ટે બે હુમલાખોરોને સજા ફટકારી છે અને તેમને આજીવન કેદની સજા સંભળાવી છે જ્યારે મુખ્ય કાવતરાંખોર ગણાવાયેલા ઈએનટી સર્જન વિનોદ તાવડે સહિત ત્રણ અન્યોને પુરાવાના અભાવે મુક્ત કર્યા છે.
ગેરકાયદે પ્રવૃત્તિ નિવારણ કાયદો (યુએપીએ) કેસ હેઠળની વિશેષ કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી. પી. જાધવે ખીચોખીચ ભરેલી કોર્ટરૃમમાં આપેલા આદેશમાં જણાવ્યું હતું કે સરકારી પક્ષ શૂટર સચિન અંદુરે અને શરદ કેળકર સામે હત્યા અને કાવતરાનો આરોપ પુરવાર કરી શક્યો છે. કોર્ટે ત્રણ આરોપી ઈએનટી સર્જન તાવડે, સંજીવ પુનાલેકર અને વિક્રમ ભાવેને પુરાવાના અભાવે મુક્ત કર્યા હતા.
અંધશ્રદ્ધા નિર્મૂલન માટે ચળવળ ચલાવનારા દાભોળકર (૬૭)ને ૩૦ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ પુણેમાં ઓમકારેશ્વર બ્રિજ પર મોર્નિંગ વોક પર જઈ રહ્યા હતા ત્યારે મોટરસાઈકલ સવારોએ તેમને ઠાર કર્યા હતા.
કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે આતંકવાદ વિરોધી યુએપીએ આ કેસમાં લાગુ કરાયો છે પણ સક્ષમ અધિકારીની બેદરાકરીને લીધે આ આરોપો પુરવાર થયા નથી.
જજે જણાવ્યું હતું કે તાવડે સામે કાવતરાખોર તરીકેનો આરોપ છે પણ તેની સામે શંકાનો ઘણો અવકાશ છે, સરકારી પક્ષ આ શંકાને પુરાવામાં ફેરવાવમાં નિષ્ફળ ગયો છે. આથી અમે તમામને આરોપમાંથી મુક્ત કર્યા છે.
ભાવે અને પુનાલેકર સામે શંકાનો અવકાશ હતો છતાં પુરાવા નથી. આથી બંનેને પુરાવાના અભાવે તમામ આરોપોમાંથી મુક્ત કરાયા છે.
અંદુરે અને કળસકર સામે દાભોળકને ઠાર મારવાનો આરોપ હતો અને તેમની સામે હત્યા અને સમાન ઈરાદાનો આરોપ હતો જે નિશંકપણે પુરવાર થયો છે, એમ કોર્ટે જણાવ્યું હતું. કોર્ટે ટૂંકી દલીલો બાદ અંદુરે અને કળસકરને જન્મટીપ અને દરેકને રૃ. પાંચ લાખના દંડની સજા ફટકારી હતી.
જજે નોંધ કરી હતી કે કોઈકની હત્યા થાય એ દુર્ભાગ્યની વાત છે. જોકે બચાવ પક્ષના વકિલે સુનાવણીમાં કૃત્યને સાર્થક ગણાવ્યું હતું જે અફસોસજનક છે અને આરોપીના વકિલે આ બાબતે વિચારવું જોઈએ.સરકારી પક્ષે ૨૦ સાક્ષીદારને તપાસ્યા હતા જ્યારે બચાવ પક્ષે બે સાક્ષી તપાસ્યા હતા.
શરૃઆતમાં આ કેસની તપાસ પુણે પોલીસ કરી રહી હતી. હાઈ કોર્ટે આદેશ આપતાં સીબીઆઈએ ૨૦૧૪માં કેસ હાથમાં લીધો હતો અને જૂન ૨૦૧૬માં સનાતન સંસ્થા સાથે જોડાયેલા તાવડેની ધરપકડ કરી હતી.સરકારી પક્ષના જણાવ્યા અનુસાર માસ્ટરમાઈન્ડ તાવડે હતો.સનાતન સંસ્થા દાભોળકના સંગઠન મહારાષ્ટ્ર અંદ્ધશ્રદ્ધા નિર્મૂલન સમિતિનો ના કામનો વિરોધ કરતી હોવાનો દાવો સરકારી પક્ષે કર્યો હતો.
સીબીઆઈએ ફરાર સારંગ અકોલકર અને વિનય પવારને શૂટર બતાવ્યા હતા. બાદમાં અંદુરે અને કળસકરની ધરપકડ કરી હતી અને દાવો કર્યો હતો કે તેમણે ગોળીબાર કર્યો હતો. ત્યાર બાદ એડવોકેટ સંજીવ પુનાલેકર અને વિક્રમ ભાવેની સહકાવતરાખોર તરીકે ધરપકડ થઈ હતી.
બચાવ પક્ષે શૂટરની ઓળખમાં સીબીઆઈએ કરેલી અદલાબદલી પર સવાલ કર્યો હતો. તાવડે, અંદુરે અને કળસકર જેલમાં છે જ્યારે પુનાલેકર અને ભાવે જામીન પર છે.
અન્ય ત્રણ બુદ્ધિજીવીની હત્યામાં અકે જ સૂત્રધાર?
ાભોલકરની હત્યા બા ત્રણ રેશનાલિસ્ટની હત્યા છેલ્લા ચાર વર્ષમાં થઈ હતી. જેમાં સામ્યવા ી નેતા ગોવિં પાનસરેની કોલ્હાપુરમાં ૨૦૧૫માં, કન્નડ લેખલ એમ. એમ. કાલબુર્ગીની ધારવાડમાં ૨૦૧૫માં અને પત્રકાર ગૌરી લંકેશની બેન્ગલુરુમાં ૨૦૧૭માં હત્યા થઈ હતી. ચારે કેસમાં આરોપી એક જ હોવાની શકા સેવાતી હતી.
માસ્ટર માઈન્ડ હજુ ફરાર, અપીલ કરશું ઃ દાભોળકર પરિવાર
ચુકાદાની પ્રતિક્રિયામાં દાભોળકરની પુત્રી મુક્તાએ જણાવ્યું હતું કે હત્યાનો માસ્ટરમાઈન્ડ હજી ફરાર છે અને હાઈકોર્ટમાં આદેશ સામે અપીલ કરીશું.
તેમના પુત્ર હમીદ દાભોળકરે જણાવ્યું હતું કે જો માસ્ટરમાઈન્ડને સજા અપાશે નહીં તો આવી ઘટનાઓનું પુનરાવર્તન થશે. ચાર્જશીટ પરથી જણાય છે કે દાભોળકરની હત્યા વૈચારિક કારણોસર થઈ છે.