મહારાષ્ટ્રમાં છેલ્લાં 23 દિવસમાં 11 વાઘના મોત
ત્રણ વાઘના અકસ્માતમાં મોત અને ત્રણનો શિકાર કરવામાં આવ્યો
મુંબઇ - મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૩ દિવસમાં ૧૧ વાઘના મોતને લીધે પ્રાણીરક્ષકો અને વન વિભાગવાળા ચોંકી ગયા છે. ગણતરીના દિવસોમાં આટલી મોટી સંખ્યામાં વાઘ માર્યા ગયા હોય એવું પહેલી વાર બન્યું છે.
ફોરેસ્ટ ખાતાએ આપેલી માહિતી મુજબ ત્રણ વાઘ અકસ્માતનો ભોગ બન્યા હતા, જ્યારે ત્રણ વાઘન ગેરકાયદે શિકાર કરવામાં આવ્યો હતો. જ્યારે પાંચ વાઘ કુદરતી રીતે માર્યા ગયા હતા.
વન્યજીવોના શિકાર પર પ્રતિબંધ છે છતાં મહારાષ્ટ્રના જંગલમાં વન વિભાગના જાપ્તા છતાં શિકારીઓ ત્રણ વાઘનો શિકાર કરવામાં કેવી રીતે સફળ થયા એવો પ્રાણી પ્રેમીઓએ સવાલ ઉઠાવ્યો છે.
વિદર્ભના ચંદ્રપુરના જંગલમાં, નાગપુર પાસેના દેવલાપારમાં, બ્રહ્મપુરી વનક્ષેત્રમાં, ગોંદિયાના દાસગાંવમાં અને તોડાબા- અંધારી ટાઇગર રિઝર્વના શિવની વન ક્ષેત્રમાં ૧૧ વાઘ માર્યા ગયા હતા.