મુંબઈ યુનિવર્સિટીના 11 હજાર વિદ્યાર્થીઓ પુનઃમૂલ્યાંકન બાદ પાસ
સેનેટમાં સવાલના જવાબમાં પ્રાધ્યાપકોની બેદરકારી ઉજાગર
એક વિદ્યાર્થીને કુલ ૨૧ માર્ક અપાયા, પણ ૩૦ માર્કના પ્રશ્નો પરીક્ષકે તપાસ્યા જ ન હતાઃ ૭૩ ટકા કેસોમાં ફેરફાર
મુંબઇ - મુંબઈ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની ભૂલોને કારણે અનેકવાર વિદ્યાર્થીઓએ સજા ભોગવવી પડતી હોય છે. તાજેતરમાં જ થયેલી સેનેટ મિટીંગમાં બે પ્રાધ્યાપકોએ આ બાબત પર પ્રકાશ પાડવા વિદ્યાર્થીઓના પરિણામના પુનઃ મૂલ્યાંકન સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતાં. તેમના જવાબ આપતાં યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, ૨૦૨૪ની શિયાળુ સત્રની પરીક્ષાના પરિણામ બાદ આશરે ૧૫ હજાર વિદ્યાર્થીઓએ રીઅસેસમેન્ટ માટે અરજી કરી હતી. તેમાંના ૧૧ હજાર વિદ્યાર્થીઓના માર્કમાં બદલાવ થતાં તેઓ પાસ થયા હતાં. આ જવાબ પરથી યુનિવર્સિટીના પ્રાધ્યાપકો પેપર તપાસતી વખતે કેટલાં બેદરકાર હશે તેનો ખ્યાલ આવે છે.
આ વર્ષે એલએલબીના ત્રીજા અને પાંચમા સત્રની પરીક્ષાનું પરિણામ જાહેર થયું તેમાં એક વિદ્યાર્થીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (ઈન્ડિયન સિવિલ ડિફેન્સ કોડ) વિષયમાં માત્ર ૨૧ માર્ક મળ્યા અને તે નાપાસ થયો હતો. તેણે ઉત્તરવહીની કોપી મગાવી અને તે જોતાં તેને બીજો આંચકો લાગ્યો. તેમાંના આશરે ૩૦ માર્કના જવાબ પરીક્ષકે તપાસ્યા જ ન હતા. આ બાબતે તેણે અરજી કરી અધિકારીની મુલાકાત લીધી અને બાદમાં તેના પરિણામમાં ફેરફાર થયો હતો. અન્ય અનેક વિદ્યાર્થીઓ જોડે પણ આવું જ થયું છે. કેટલાંકને ઓનલાઈન પરિણામમાં નાપાસ બતાવ્યાં જ્યારે ફેરમુલ્યાંકન બાદ આ વિદ્યાર્થીઓ પાસ પણ થઈ ગયા હતા.
મુંબઈ યુનિવર્સિટીના ૨૦૨૪ના ઉનાળુ સત્રમાં વિવિધ વિષયો માટે ૧૭,૪૬૭ અરજીઓ રીઅસેસમેન્ટ માટે આવી હતી. તેમાંના ૮૯૬૦ વિદ્યાર્થીઓના પરિણામ પુનઃતપાસણી બાદ બદલાયા હતાં. પરિણામમાં બદલાવનું પ્રમાણ ૫૧ ટકા હતું. તે સમયે ત્રણ વર્ષીય એલએલબીની છઠ્ઠી સેમેસ્ટરના ૨૪૩માંથી ૨૧૯ વિદ્યાર્થીઓના રીઝલ્ટ બદલાયા હતા. આર્ટ્સના થર્ડ યરની પાંચમી સેમેસ્ટરના ૧૫૯૦ વિદ્યાર્થીઓએ પુનઃમૂલ્યાંકન માટે અરજી કરી હતી. તેમાંના ૧૩૧૧ વિદ્યાર્થીઓના પરિણામ બદલાયા હતા. દિવાળી કે શિયાળુ સત્રની પરીક્ષામાં થયેલ અરજીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય તોય પુનર્મૂલ્યાંકન બાદ માર્કમાં થયેલ બદલાવની સંખ્યામાં કુલ ૨૨ ટકાનો વધારો થયો છે. આ વર્ષે પુનઃમુલ્યાંકન માટે ૧૫ હજાર વિદ્યાર્થીઓએ અરજી કરી તેમાંના ૧૧ હજાર વિદ્યાર્થીઓના પરિણામ બદલાયાં છે. અર્થાત્ આ પ્રમાણ ૭૩ ટકા જેટલું થયું છે.