દુકાળને લીધે મોસંબીના 11 લાખ વૃક્ષો બળી ગયાં
4 હજાર હેક્ટરમાં વૃક્ષો નાશ પામ્યાં
છત્રપતિ સંભાજી નગર તથા જાલના જિલ્લામાં પાણીની અછતથી ભારે નુકસાન
મુંબઈ : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજનગર (ઔરંગાબાદ) અને જાલના જિલ્લામાં દુકાળ જેવી પરિસ્થિતિએ મોસંબીના ૧૧ લાખથી વધુ વૃક્ષોનો ભોગ લીધો છે.
પાણીની કારમી અછત અને જમીનના તળમાં પણ પાણી રહ્યું ન હોવાથી ૪,૦૬૨ હેકટર વિસ્તારમાં મોસંબીના વૃક્ષો નાશ પામ્યા છે એમ રાજ્યના કૃષિ ખાતાના સત્તાવાળાએ જણાવ્યું હતું.
મોસંબીના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર આખા દેશમાં ટોચ પર છે. રાજયના છત્રપતી સંભાજીનગર અને જાલના જિલ્લાના ખેડૂતો ૩૫,૮૫૦ હેકટરમાં મોસંબી ઉગાડે છે. એક હેકટરમાં ૨૭૭ વૃક્ષ ઉગાડવામાં આવે છે. ગયા વર્ષે નહિંવત વરસાદ પડવાથી ઉભી થયેલી પાણીની કારમી અછતને કારણે ૧૧,૨૫,૧૭૪ વૃક્ષો સાવ સૂકાઈ ગયા છે. બન્ને જિલ્લામાંથી જાલનાના ખેડૂતોને વધુ નુકસાન થયું છે. જાલનામાં ૩૬૦૦ હેકટર જમીન પરના વૃક્ષો બળી ગયા છે.
કૃષિ ખાતાના ઉચ્ચઅધિકારી પ્રકાશ દેશમુખે જણાવ્યું હતું કે શેરડીની જેમ જ મોસંબીનું વળતર પણ ઉંચું મળે છે. પરંતુ પાણીની ખેચને કારણે આ વખતે પાક નાશ પામ્યો છે. મોસંબીના વૃક્ષ સૂકાઈ જાય ત્યારે તેને કાપી નાખવા પડે છે. ત્રણ વર્ષથી પંદર વર્ષના વૃક્ષો સૂકાઈ ગયા છે.