નાગપૂર સહિત વિદર્ભમાં ચોવીસ કલાકમાં સન-સ્ટ્રોકથી 11ના મોત
મુંબઈ : ધોમધખતા ઉનાળે ધગધગતી ભઠ્ઠીમાં ફેરવાઈ ગયેલા વિદર્ભમાં ચોવીસ કલાકમાં સન- સ્ટ્રોક (ઉષ્માઘાત)થી ૧૧ જણે જીવ ગુમાવ્યો છે. આમાં એકલા નાગપૂરમાં છ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.
મહારાષ્ટ્રમાં ગઈકાલે વધુમાં વધુ તાપમાન (૪૬.૭ ડિગ્રી) વિદર્ભના બ્રહ્મપૂરીમાં નોંધાયું હતું. બાકીના વિસ્તારોમાં ૪૦ ડિગ્રીથી વધુ ગરમીને લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આને લીધે નાગપૂરના છ સહિત વિદર્ભમાં ૧૧ વ્યક્તિએ લૂ લાગવાને કારણે જીવ ગુમાવ્યો હતો.
વિદર્ભના શહેરો નાગપૂર, અકોલા, અમરાવતી, બ્રહ્મપૂરી તેમજ ગામોમાં ભરબપોરે અઘોષિત કરફયૂ જેવી સ્થિતિ જોવા મળે છે. રસ્તા પર નહિવત અવરજવર જોવા મળે છે. જિલ્લા પ્રશાસન તરફથી બપોરે બારથી ચાર વાગ્યા સુધી જરૃરી કામ પર બહાર ન નીકળવાની લોકોને સલાહ આપી છે. ઉપરાંત કન્સ્ટ્રકશન સાઈટ તેમજ બહારના કામોની જગ્યાએ બપોરે ચાર કલાકનો બ્રેક રાખવામાં આવ્યો છે.
ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં ખાસ કોલ્ડરૃમ ખોલવામાં આવ્યા છે. લૂ લાગી હોય એવાં દરદીઓને તરત જ કોલ્ડરૃમમાં રાખીને સારવાર આપવામાં આવે છે. એમ રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.