અર્નાલા બીચ પર 100 ફૂટ લાંબી મૃત વ્હેલ તણાઈે આવી
જહાજ સાથે ટકરાતાં મોત થયું હોવાનો અંદાજ
વિશાળકાય વ્હેલને જોવા લોકોના ટોળેટોળાં પાલઘરના દરિયા કિનારે ઉમટયાં
મુંબઈ : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આશરે ૧૦૦ ફૂટ લાંબી મૃત વ્હેલ માછલી તણાઈને દરિયા કિનારે આવેલી જોવા મળી હતી. કેટલાંક માછીમારોએ સોમવારે બપોરે અર્નાલા બીચ પર આ મૃત વ્હેલને જોઈ હતી અને સ્થાનિક પોલીસ તેમજ ફિશરીસ એન્ડ રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પણ તેની માહિતી આપી હતી.
અર્નાલા મરીન પોલીસ સ્ટેશનના એક અધિકારીના જણાવ્યાનુસાર, પોલીસે મૃત વ્હેલનું નિરીક્ષણ કર્યું અને એવી શંકા છે કે તેનું મોત કોઈ જહાજ કે મોટી બોટ સાથે અથડાવાને લીધે થયું હશે અને તે તણાઈને કિનારે આવી ગઈ હશે.
સ્થાનિક વિસ્તારમાં આ વાત ફેલાયા બાદ મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે મૃત વ્હેલને જોવા ભેગાં થઈ ગયાં હતાં. પ્રોટોકોલ મુજબ વ્હેલના મૃતદેહનો નિકાલ કરવામાં આવશે, એવું પણ પોલીસે જણાવ્યું હતું.