106નો ભોગ લેનારા માલવણી લઠ્ઠાંકાડમાં 4ને 10 વર્ષની કેદ
2015માં થયેલા લઠ્ઠાકાંડમાં 10 આરોપીને મુક્ત કરાયા
ગુજરાતથી કેમિકલ મગાવીને વિક્રેતાઓ મીથાઈલ યુક્ત દારૃ બનાવતા હતાઃલઠ્ઠાથી આંખો ગુમાવનારા સહિત કુલ 200 સાક્ષીના નિવેદન
મુંબઈ : મલાડના માલવણી વિસ્તારમાં ૨૦૧૫માં થયેલા લઠ્ઠાકાંડ સંબંધે સેશન્સ કોર્ટે કસૂરવાર ઠેરવેલા ચાર આરોપીને દસ વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. કેસના અન્ય ૧૦ આરોપીને મુક્ત કર્યા હતા. છઠ્ઠી મેના રોજ જજે સજા પરની દલીલો સાંભળી હતી.આ ઘટનામાં ૧૦૬ના મોત થયા હતા.
ચાર કસૂરવારોમાં રાજુ તાપકર ઉર્ફે રાજુ લંગડા (૫૯), ડોનાલ્ડ પટેલ (૪૯) અને ફ્રાન્સીસ ડિમેલો (૫૪) દારૃ વિક્રેતા હતા જ્યારે મન્સૂર ખાન (૩૫) ગુજરાતથી મુંબઈમાં કેમિક્લ મેળવતો અને દારૃના વિક્રેતાઓમાં વિતરીત કરતો હતો.
એડિશનલ સેશન્સ જજ સ્વપ્નીલ તૌશીકરે ૨૯ એપ્રિલે તેમને કસૂરવાર ઠેરવ્યા હતા. આરોપીઓ સામે બોમ્બે પ્રતિબંધિત કાયદા અને ભારતીય દંડ સંહિતાની સંબંધીત જોગવાઈઓ હેઠળ આરોપો નોંધાયા હતા. ગુનાહિત કાવતરું અને સદોષ મનુષ્યવધના આરોપમાં કસૂરવાર ઠર્યા હતા. કેસમાં સંખ્યાબંધ પુરાવા છે અને શૃંખલાબંધ અંતિમ દલીલો થઈ હતી, હોવાનું જજે નોંધ્યું હતું.
વિશેષ સરકારી વકિલ પ્રદીપ ઘરાતે ૨૦૦થી વધુ સાક્ષીદારોના પુરાવા ટાંક્યા હતા. સરકારી પક્ષે દલીલ કરી હતી કે ભેળસેળીયા દારૃથી થયેલા મોતની ઘટના જવલ્લે બનતી ઘટના છે કેમ કે મહારાષ્ટ્રમાં છેલ્લા બે દાયકામાં માત્ર એકાદ બે જણના મોત થયા હતા. તાપકરને નકલી દારૃ વેચવામાં મદદ કરનાર સાક્ષીદારનું નિવેદન નોંધાયું હતું, જ્યારે કેમાં સાક્ષીદારો આરોપીઓમાંના એકના અડ્ડા પર દારૃનું સેવન કરનારા હતા.
મૃતકોએ મૃત્યુ પૂર્વે આપેલા નિવેદનો પણ રજૂ કર્યા હતા ઉપરાંત જેણે આ ઘટનામાં દૃષ્ટી ગુમાવી છે તેમણે પણ નિવેદનો આપ્યા હતા. કેસમા ંકુલ ૧૬ આરોપી હતા જેમાં એકનું મોત થયું હતું જ્યારે એક ફરાર છે.
૧૮મી જૂન ૨૦૧૫માં મલાડના માલવણીના લક્ષ્મીનગર વિસ્તારમાં ભેળસેળીયો દારૃ પીધા બાદ ૧૦૬ જેટલાના મોત થયા હતા. માલવણી પોલીસને માહિતી મળી હતી કે એક વ્યક્તિ બેશુદ્ધ પડી છે. તેને પોલીસે શતાબ્દિ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. કનાઈ હરિજન નામે તેની ઓળખ થઈ હતી. તેના માલિકી મરિમુથ્થુ હરીજનની પૂછપરછમાં જણાયુંહતું કે કનાઈ અને અન્ય કર્મચારી ફુલચંદ યાદવે તાપકરના અડ્ડામાં દારૃ પીધો હતો. યાદવ પણ માંદો પડયો હતો અને હોસ્પિટલ ખસેડાયો હતો.કનાઈનું મોત થયું હતું. તપાસમાં અન્ય અનેક લોકોને આ અડ્ડામાં દારૃ પીધા બાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા. કુલ ૧૦૬ના મોત થયા તા અને ૭૫ બીમાર હતા. કેસ ક્રાઈમ બ્રાંચને સોંપી દેવાયો હતો.
વધુ તપાસમાં જણાયું હતંં કે ઝેરી દારૃ મીથાઈલ આલ્કોહોલમાંથી બનાવાયો હતો. તાપકરને ૧૯ જૂન ૨૦૧૫ના રોજ પકડવામાં આવ્યો હતો તેણે પોતાના સપ્લાયરોના નામ આપ્યા હતા. આરોપીઓને દિલ્હી, મધ્ય પ્રદેશ અને ગુજરાતથી પકડવામાં આવ્યા હતા. સરકારે મુખ્ય સચિવના નેજા હેઠળ તપાસનો આદેશ આપ્યો હતો.