નાલાસોપારામાં શિક્ષકે તમાચો ફટકાર્યા બાદ 10 વર્ષની બાળકી વેન્ટિલેટર પર
નજીવાં કારણોસર ફટકારનારા ટયુશન શિક્ષક સામે ગુનો : દીકરી જમી ન શકતી હોવાથી સમગ્ર પરિવાર ભૂખ્યો રહે છે
શ્વાસ નળીની સાથે મગજ પર પણ ગંભીર અસર થઈ
શિક્ષકના એક તમાચાના કારણે બાળકીની ગંભીર હાલત સાથે સમગ્ર પરિવાર પણ આર્થિક ભીંસમાં મૂકાઈ ગયો
મુંબઈ : , નાલાસોપારામાં મારવાડી પરિવારની દીપિકા પટેલ નામની દસ વર્ષની બાળકીને તેના ક્લાસીસના ટીચરે તેના હાથથી કાન પર જોરથી મારતાં તેના કાન પર સોજો આવી અને બ્રેઈન પર અસર થતાં તેને ગંભીર અવસ્થામાં મુંબઈની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. બાળકીને ટિટનેસ થતાં હાલમાં તે ગંભીર હાલતમાં છેલ્લા આઠ દિવસથી વેન્ટિલેટર પર સારવાર લઈ રહી છે ત્યારે સારવાર માટે માતા-પિતા આથક પરિસ્થિતી નબળી હોવાથી એનો સામનો કરી રહયા છે. તેમ જ તુલિંજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હોવાથી તપાસ કરવામાં આવી રહી છે.
નજીવા કારણોસર પ્રાઈવેટ ટયુશન લઈ રહેલા શિક્ષકે માર મારતાં નાલાસોપારા-ઈસ્ટના ઓસવાલ નગરીમાં જય માતાદી ઈમારતમાં રહેતી ૧૦ વર્ષની બાળકી ગંભીર રીતે જખમી થઈ છે. આ લાફાને લીધે તેને શ્વાસનળીની સાથે મગજમાં ઈજા થઈ હોવાથી મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાંવેન્ટિલેટરપર સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ દિવસથી તે વેન્ટિલેટર પર મોત સામે લડી રહી છે.
નાલાસોપારા-ઈસ્ટના ઓસવાલ નગરીમાં મૂળ રાજસ્થાનના ૩૨ વર્ષના અંબારામ પટેલ કરિયાણાની દુકાન ચલાવે છે. તેઓ પત્ની સહિત ૧૨ વર્ષની મોટી દીકરી, આઠ વર્ષના નાના દીકરા અને ૧૦ વર્ષની દીકરી દીપિકા સાથે રહે છે. દીપિકા પાંચમાં ધોરણમાં ભણે છે. દીપિકા પાંચેક મહિના પહેલાં જ એ જ વિસ્તારમાં આવેલા રીના ક્લાસીસ નામના પ્રાઈવેટ ટયુશનમાં જવા લાગી હતી.ત્યારે પાંચમી ઓક્ટોબરના રોજ ક્લાસીસની ૨૦ વર્ષની ટીચર રત્ના સિંહે દીપિકાને ક્લાસમાં મસ્તી કરતી હોવાનું કહીને તેના જમણા કાન પર હાથ વડે જોરથી લાફો માર્યો હતો. જેના કારણે તેના કાનની પાછળના ભાગે ઈજા થઈ હતી. તેને કાનની ત્યાં સોજો આવી ગઈ હતી અને તેને દુખાવા સાથે તેનું મોઢું પણ ખોલાય જ રહયું નહોતું. તેના કાનમાં વધુ પડતો સોજો અને દુખાવો થતો હોવાથી તેને પહેલાં વિરારની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. પરંતુ, દુખાવો વધી જતાં તેને ૧૩ ઓક્ટોબરે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી.
મોઢું ખોલી શકતી નથી, હાડકાંમાં ડેમેજ
આ વિશે માહિતી આપતાં દીપિકાના પિતા અંબારામ પટેલે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે 'મારી દીકરીને ફક્ત મસ્તી કરતી હોવાથી આવી સજા આપી. તે હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર ચાલી રહી છે અને તે વેન્ટિલેટર પર છે. ડોક્ટરે તેને ટિટનેસ થયું હોવાથી તેની સારવાર આપી રહયા છે. તેનું મોઢું પણ ખોલાતું નથી અને તેના હાડકા પણ ખૂબ ડેમેજ થયા છે. હાલમાં તેની સારવાર માટે દરરોજ ૨૦થી ૨૫ હજાર રૃપિયાનો ખર્ચો આવી રહયો છે. અમને પોસાય એમ ન હોવા છતાં અમે બધાની મદદ લઈને દીકરીને બચાવવા કરી રહયા છીએ.અમે કેટલાય દિવસોથી જમ્યા પણ નથી કારણ કે દીપિકા પણ જમી શકી નથી. કિરાણાની દુકાન પર અમારું ઘર ચાલી રહયું છે પરંતુ હાલમાં દીકરીના ઈલાજમાં દુકાન પણ બંધ હોવાથી અમારી આથક પરિસ્થિતિ ન હોવાથી અમે સામાજિક સંસ્થા પાસે મદદ માંગીએ છીએ. મારી દીકરીના આવા હાલ કરનાર શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે. દીકરીની હાલત અમારી જોવાય રહી નથી.
ગુનો નોંધી શિક્ષકને નોટિસ
આ બનાવ વિશે તુલિંજ પોલીસ મથકના સબ-ઇન્સ્પેક્ટર વિનોદ વાયંકરણકરે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું'આ બનાવ બાદ પોલીસે રત્ના સિંહ વિરુદ્ધ કલમ ૧૨૫(એ) (બી) અને જુવેનાઈલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન આફ ચિલ્ડ્રન) કાયદાના અધિનિયમ ૭૫ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અમે સંબંધિત શિક્ષકને નોટિસ પણ મોકલી છે અને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં બાળકીને તબિયત સારી નહોવાથી તે વેન્ટિલેટર પર છે.