10 વર્ષના બ્રેઇનડેડ બાળકના અંગદાનથી 4ને જીવતદાન
4 વર્ષના બાળકને નવું લીવર મળ્યું
સાંતાક્રુઝના બાળકનાં લીવર, 2 કિડની, કોર્નિયાનું વાલીઓએ દાન કર્યું
મુંબઇ : સાંતાક્રુઝના રહેવાસી દસ વર્ષના બાળકને ડોક્ટરોએ બ્રેઇનડેડ જાહેર કર્યા પછી તેના અવયવદાનને કારણે ચાર દર્દીને નવું જીવન મળ્યું છે. મૃત બાળકના લીવરનું જાલનાના એક પાંચ વર્ષના માસુમના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવતા તેનો જીવ બચી ગયો હતો.
મુંબઇ જિલ્લા અવયવ પ્રત્યારોપણ સમિતિના જણાવ્યા પ્રમાણે નવા વર્ષના પહેલાં જ મહિને પાંચ અવયવદાન મળ્યાં છે. સાંતાક્રુઝમાં રહેતા બાળકને અચાનક માથાનો અસહ્ય દુઃખાવો ઉપડયો હતો. જુદી જુદી હોસ્પિટલોમાં લઇ ગયા છતાં દુઃખાવો ઓછો નહોતો થતાં છેવટે વિલે- પાર્લેની એક હોસ્પિટલમાં દાકલ કરવામાં આવ્યો હતો. જ્યાં ઉપચાર દરમિયાન ડોક્ટરોએ બ્રેઇનડેડ જાહેર કર્યો હતો. હોસ્પિટલના સત્તાવાળાઓએ મા-બાપને બાળકનું અવયવદાન કરવાનું સૂચન કર્યું હતું. વાલીઓએ સંમતી આપ્યા પછી લીવર, બે કિડની અને કોર્નિયાનું દાન કરવામાં આવ્યું હતું.
આ બાળકના લીવરનું જાલનાના પાંચ વર્ષના દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. આ બાળક લાંબા સમયથી કમળાની બીમારીથી પીડાતો હતો. એટલે લાંબા સમયથી તેનું નામ લીવર મેળવવા માટેના વેઇટીંગ લીસ્ટમાં હતું. અવયવદાન મળતા વિલે- પાર્લેની હોસ્પિટલમાં જ સફળ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરીને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.