ધુળેમાં મતદાનના દિવસે જ ટ્રકમાંથી 10 હજાર કિલો ચાંદી જપ્ત
રૃા.94.68 કરોડની ચાંદી બેન્કની માલિકીની હોવાનો દાવો
વહેલી સવારે શંકાના આધારે ટ્રક અટકાવી, ચૂંટણી પંચ તથા ઈનકમટેક્સને ઉચ્ચ કક્ષાએ જાણ કરાઈ
મુંબઈ : રાજ્યની વિધાનસભાની ચૂંટણીના મતદાનના દિવસે જ મહારાષ્ટ્રના ધુળેમાં એક ટ્રકમાંથી ૧૦,૦૮૦ કિલો ચાંદ જપ્ત કરાઈ હતી. આ ચાંદી બેન્કની માલિકીની હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડયું હતું, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં ૨૮૮ વિધાનસભા મતવિસ્તારો માટે ૨૦ નવેમ્બરના સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થયું હતું.
ચૂંટણીમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને અને ગેરરિતી અટકાવવા રાજ્યભરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ચૂંટણી પંચના અધિકારીઓ પણ દરેક ગતિવિધિ પર બારીકાઈથી નજર રાખી રહી હતી.
નાશિકના સ્પેશિયલ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ દતાત્રે કરાળેએ જણાવ્યું હતું કે ધુળેમાં શિરપુર તાલુકામાં થામનેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે વહેલી સવારે શંકાના આધારે એક ટ્રકને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. દરમિયાન ટ્રકમાં ૧૦ હજાર કિલોથી વધુ ચાંદી મળી હતી. એની કિંમત અંદાજે રૃા.૯૪.૬૮ કરોડ છે.
આ બનાવની ચૂંટણી પંચના અધિકારી અને ઈન્કમટેક્સ વિભાગને માહિતી આપવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસનેપ્રાથમિક તપાસમાં આ ચાંદી બેન્કની માલિકીની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ ચાંદી સંબંધિત દસ્તાવેજોને તપાસ કરી અને આગળની કાર્યવાહી કરી રહી છે.
વિધાનસભાની ચૂંટણી માટે ગત ૧૫ ઓક્ટોબરથી રાજ્યના આચારસંહિતા લાગૂ કરાઈ હતી. ત્યારથી રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓએ આચારસંહિતાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રૃા.૭૦૬.૯૮ કરોડની માલમત્તા જપ્ત કરી છે. એમાં ગેરકાયદેસર લઈ જવાતી રોકડ રકમ, દારૃ, માદક પદાર્થ, સોના-ચાંદી અને અન્ય કિંમતી વસ્તુનો સમાવેશ છે.
મુંબઈ પોલીસે ગત અઠવાડિયાના વાશી ચેકનાકા પાસે એક ટ્રકમાંથી ૮,૪૭૬ કિલો ચાંદી કબજે કરી હતી. એની કિંમત અંદાજે રૃા.૮૦ કરોડ હતી.
અગાઉ વિક્રોલીમાં એક કેશ વેનમાંથી સાડા છ ટન ચાંદીની પાટો મળી હતી.