મહારાષ્ટ્રમાં મરાઠાઓને 10 ટકા અનામતનું વિધેયક પસાર
અગાઉ સુપ્રીમ કોર્ટ ફગાવી ચુકી હોવા છતાં પણ મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો 3જો પ્રયાસ
લોકસભા ચૂંટણી પૂર્વે મરાઠા વોટબેન્કને સાચવવા વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી ગણતરીની મિનિટોમાં કોઈ ચર્ચા વિના સર્વાનુમતે વિધેયક મંજૂર કરાયું
ઓબીસી કેટેગરીમાં નહીં પરંતુ રાજ્ય પછાત વર્ગ પંચના તાજેતરના અહેવાલને આધાર બનાવી મરાઠાઓને નોકરીઓ તથા શિક્ષણમાં 10 ટકા વિશેષ અનામત
આ વિધેયક કાયદાકીય રીતે નહીં ટકે તેવો મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલ તથા વિપક્ષોનો પ્રત્યાઘાત
મુંબઇ :મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને નોકરી તથા શિક્ષણમાં ૧૦ ટકા અનામતની જોગવાઈ કરતાં વિધેયકને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. લોકસભા ચૂંટણી પૂર્વે મરાઠા અનામત આંદોલનને શાંત પાડવાના હેતુથી અને મરાઠા આંદોલનકારીઓની માગણી અનુસાર મહારાષ્ટ્ર સરકારે આજે રાજ્ય વિધાનસભાનું વિશેષ અધિવેશન બોલાવ્યું હતું. વિધાન સભા તથા વિધાન પરિષદ એમ બંને ગૃહોમાં શાસક અને વિપક્ષે સર્વાનુમતિથી કોઈ જાતની વિશેષ ચર્ચા વિના ગણતરીની મિનિટોમાં જ બિલ પસાર કરી દીધું. હતું. આ વિધેયકના અણલ સાથે રાજ્યમાં કુલ અનામતની ટકાવારી વધીને ૬૨ ટકા થઈ જશે. મહારાષ્ટ્રમાં મરાઠાઓને વિશેષ વિધેયક દ્વારા અનામતનો આ ત્રીજો પ્રયાસ છે. અગાઉ, સુપ્રીમ કોર્ટ કુલ અનામતની ૫૦ ટકાની મર્યાદાને વળોટી શકાય નહીં તેમ ઠેરવી રાજ્ય સરકારના વિધેયકોને ફગાવી ચુકી છે. જોકે, આ વખતે રાજ્ય સરકારને આશા છે કે સુપ્રીમ કોર્ટમાં આ વિધેયકને પડકારવામાં નહીં આવે તો તેનો અમલ સરળતાથી કરી શકાશે.
મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ રજૂ આ બિલ રજૂ કર્યું હતું. રાજ્ય વિધાનસભામાં એકમાત્ર મંત્રી છગન ભુજબળે આ વિધેયકોનો વિરોધ કર્યો હતો. ભુજબળ બહુ શરુઆતથી જ મરાઠાઓને અનામતનો વિરોધ કરી રહ્યા છે.
મરાઠા અનામતની માગણી સાથે પાછલાં એક વર્ષમાં એકથી વધુ વખત ઉપવાસ આંદોલન કરી ચુકેલા આંદોલનકારી નેતા મનોજ જરાંગે તેમના વતન ખાતે ફરી સાત દિવસથી ઉપવાસ પર છે. તેમણે મરાઠા અનામત માટે વિશેષ વિધાનસભા સત્ર બોલાવી કાયદો પસાર કરવાની માગણી કરી હતી. જોકે, આજે રાજ્ય સરકારે રજૂ કરેલાં વિધેયકને મનોજ જરાંગે પાટીલે ફગાવી દીધું હતું. તેમણે કહ્યું હતું કે મરાઠાઓને ઓબીસી કેટેગરીમાં જ અનામત આપવામાં આવે તેવી તેમની માગણી હતી. પરંતુ, રાજ્ય સરકારે અલગથી જોગવાઈ કરીને વિશ્વાસઘાત કર્યો છે. તેઓ પોતાનું આંદોલન હવે વધુ ઉગ્ર બનાવશે. મરાઠા સમાજ હવે સરકારનો ભરોસો નહીં કરે. આ આરક્ષણ કોર્ટમાં ટકી નહીં શકે અને ત્યારે સરકાર અમે તો જોગવાઈ કરી હતી તેવી દલીલ સાથે છટકી જશે. કોંગ્રેસ સહિતના અન્ય વિપક્ષોએ પણ બાદમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારનું આ વિધેયક કાયદાકીય રીતે ટકી શકવા અંગે શંકા છે.
જોકે, રાજ્ય સરકારે આ વખતે મરાઠા આરક્ષણને કાનૂની રક્ષણ મળી રહે તે માટે રાજ્યના પછાત વર્ગ પંચના નવા અહેવાલનો આશરો લીધો છે. રાજ્ય સરકાર દ્વારા અગાઉ કેબિનેટમાં મંજૂર કરાયેલાં અને બાદમાં ગૃહમાં બહાલી માટે મુકાયેલાં મહારાષ્ટ્ર સ્ટેટ સોશિયલ એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ બિલ ૨૦૨૪માં પછાત વર્ગ પંચના અહેવાલને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં મરાઠા સમુદાય ૨૮ ટકા વસતી ધરાવે છે. આ સમુદાયમાં માધ્યમિક શિક્ષણ અને સ્નાતક, અનુસ્નાતક અને પ્રોફેશનલ શિક્ષણ પૂર્ણ કરનારાની ટકાવારી ઓછી છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સરકારી નોકરીના તમામ ક્ષેત્રોમાં મરાઠા સમાજનું અપૂરતું પ્રતિનિધિત્વ છે અને તેથી તેમના માટે પર્યાપ્ત આરક્ષણની જોગવાઈ અનિવાર્ય બની છે.
મરાઠા અનામત માટે એવી પણ દલીલ ટાંકવામાં આવી છે કે આત્મહત્યા દ્વારા મૃત્યુ પામેલા ૯૪ ટકા ખેડૂતો મરાઠા સમાજના છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અન્ય જાતિઓની લગભગ બાવન ટકા અનામત ધરાવતા જૂથો પહેલાથી જ આરક્ષણ ધરાવે છે. આથી મરાઠા સમાજને ઓબીસી કેટેગરીમાં અનામત ફાળવવી યોગ્ય નહીં ગણાય. અન્ય પછાત વર્ગોનું પછાતપણું તથા મરાઠા સમુદાયનું પછાત પણું વ્યાપકતા, તીવ્રતા અને સ્વરુપોની દૃષ્ટિએ પણ તદ્દન અલગ હોવાની પણ દલીલ કરવામાં આવી છે.
મરાઠા અનામત વિધેયકમાં દર દસ વર્ષે આ અનામતની સમીક્ષા કરવાનો પણ ઉલ્લેખ કરાયો છે.
સીએમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ઓબીસી સમુદાયનાં હિતો જોખમાય નહીં તે રીતે મરાઠા અનામતની જોગવાઈનું વચન આપ્યું હતું. તે હવે પૂર્ણ કર્યું છે.
આ અગાઉ, રાજ્ય સરકારે એક ડ્રાફટ નોટિફિકેશન રજૂ કરી જે મરાઠાઓ કુણબી જાતિના હોવાનું પ્રમાણિત કરતા દસ્તાવેજ મળે તેમને કુણબી જાતિ પ્રમાણપત્ર આપી અને તે રીતે ઓબીસી અનામતનો લાભ આપવાની જોગવાઈ કરી હતી. જેમના કુણબી હોવાના પુરાવા મળે તેમના સગાસંબંધીઓને પણ આ લાભ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. તે રીતે મરાઠાઓને ઓબીસી અનામતમાં પણ સમાવાયા હતા. જોકે, રાજ્ય સરકારે આજે રજૂ કરેલાં વિધેયક અનુસાર મરાઠાઓને દસ ટકા વિશેષ અનામતનો લાભ આપવામાં આવશે.
અગાઉ, રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર પણ આ જ રીતે પછાત વર્ગના પંચના અહેવાલના આધારે મરાઠાઓને વિશેષ અનામતની કવાયત કરી ચુકી છે. ત્યારે પણ આ જ રીત ેવિધાનસભામાં ઠરાવ કરી મરાઠા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. ફડણવીસ સરકારે ૧૬ ટકા અનામતની જોગવાઈ કરી હતી. પરંતુ હાઈકોર્ટે મરાઠા અનામતને બહાલ ીઆપવાની સાથે શિક્ષણમાં ૧૨ ટકા અને નોકરીઓમાં ૧૩ ટકા અનામતની જોગવાઈને બહાલી આપી હતી. જોકે, બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતની જોગવાઈ ફગાવતાં કહ્યું હતું કે કુલ અનામતની મર્યાદા ૫૦ ટકા સુધી જ રહેવી જોઈએ તેવા ઈન્દિરા સહાની કેસના ચુકાદામાં ફેરફાર કરવાની કોઈ જરુર નથી.