ગેરમાર્ગે દોરતી જાહેરાત બદલ અમિતાભને 10 લાખના દંડની માંગ

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
ગેરમાર્ગે દોરતી જાહેરાત બદલ અમિતાભને 10 લાખના દંડની માંગ 1 - image


વેપારી સંગઠન દ્વારા ગ્રાહક ઓથોરિટીમાં ફરિયાદ

એક ઈ કોમર્સ કંપની માટેની જાહેરાતમાં રિટેઈલ દુકાનદારો વિરોધી ટિપ્પણી કરતાં અમિતાભ સંકટમાં

મુંબઈ :ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરવા બદલ અમિતાભ બચ્ચનને દસ લાખનો દંડ ફટકારવાની માગણી કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોનાં મંત્રાલય સમક્ષ વેપારીઓનાં રાષ્ટ્રીય સંગઠન દ્વારા કરવામાં આવી છે. 

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા  ટ્રેડર્સ દ્વાર સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેકશન ઓથોરિટી સમક્ષ અમિતાભ  તથા સંબંધિત ઈ કોમર્સ સાઈટ સામે ફરિયાદ કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે આ જાહેરાત દેશના નાના છૂટક વેપારીઓનાં હિતને નુકસાન પહોંચાડનારી છે અને તેનાથી ગ્રાહકો ગેરમાર્ગે દોરાય છે. આ જાહેરાત તત્કાળ પાછી ખેંચી લેવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે. 

ગેરમાર્ગે દોરનારી જાહેરાત બદલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ અનુસાર અમિતાભ બચ્ચનને પણ દસ લાખ રુપિયાનો દંડ ફટાકરવો જોઈએ તેવી માગણી આ  ફરિયાદ સાથે કરવામાં આવી છે. 

સીએઆઈટીના જનરલ સેક્રેટરી પ્રવીન ખંડેલવાલે જણાવ્યું હતું કે ગ્રાહક સુરક્ષા કાયદાની જોગવાઈ ૨ ( ૪૭) અનુસાર સંબંધિત કંપનીએ તેને એન્ડોર્સ કરનાર અમિતાભ બચ્ચન મારફતે દેશના  ગ્રાહકોને વેચાણકર્તાઓ દ્વારા ઉપલબ્ધ મોબાઈલની કિંમતો બાબતે ગેરમાર્ગે દોર્યા છે. આ જાહેરાત અન્ય વેપારીઓ, સેવાઓ તથા ચીજો માટે નુકસાનકારક છે. 

અમિતાભને આ જાહેરાતમાં એવું કહેતા દર્શાવાયા છે કે મોબાઈલ પરની આ ડીલ છૂટક દુકાનો પર ઉપલબ્ધ નથી. 

આ સમગ્ર વિવાદ અંગે અમિતાભે હજુ  સુધી કોઈ ટિપ્પણી કરી નથી.



Google NewsGoogle News