ડોમ્બિવલીમાં કોલેજ માટે મંજૂરી મેળવવાને બહાને શૈક્ષણિક સંસ્થા સાથે રૂા.10 લાખની છેતરપિંડી
નવી સરકાર બની હોવાથી મંજૂરી માટે વિલંબ થવાના કારણ આપ્યા
મુંબઇ: ડોમ્બિવલીની એક શૈક્ષણિક સંસ્થા સાથે તેમની બે સ્કૂલોમાં જુનિયર કોલેજ શરૂ કરવા માટે મંજૂરી અપાવવાને બહાને રૂા.૧૦ લાખથી વધુની છેતરપિંડી કરાઇ હતી. આ મામલે એક શખસ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે, એમ પોલીસે જમાવ્યું હતું.
ડોમ્બિવલીના સાગાંવ અને દિવા ખાતે આ શૈક્ષણિક સંસ્થાની બે સ્કૂલ છે. આ સ્કૂલમાં ૧૦મા ધોરણ સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. તેઓ જુનિયર કોલેજ (કલાસ ૧૧ અને ૧૨) શરૂ કરવા માટે પરવાનગી માંગતા હતા. તેના માટે રાજ્યના શિક્ષણ વિભાગને અરજી કરી હતી, એમ માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
આ કામગિરી માટે સંસ્થા દ્વારા જવાબદાર વ્યક્તિની શોધખોળ કરવામાં આવી હતી. બીજી તરફ ધનજી જાનરાવે તેને પરવાનગી મેળવી અપાવવાની ખાતરી આપી હતી. તેણે આ કામ માટે રૂા.૧૬ લાખની માગણી કરી હતી.
તે મુજબ સંસ્થાએ માર્ચ ૨૦૨૧થી જૂન, ૨૦૨૨ વચ્ચે જાનરાવને રૂા.૧૦.૬૨ લાખ ચૂકવ્યા હતા.
ઘણા સુધી કોલેજની પરવાનગી ન મળતા સંસ્થાએ જાનરાવની પૂછપરછ કરી હતી. ત્યારે તેણે ઉદ્ધત જવાબો આપ્યા હતા. નવી સરકાર બની હોવાથી મંજૂરી મેળવવા માટે વદુ સમય લાગશે, એમ આરોપીએ કહ્યું હતું. સંસ્થાને તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાવ્યું હતું.
ત્યાર બાદ સંસ્થાના ટ્રસ્ટીઓમાંથી એકે તેમની સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે માનપાડા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. આ કેસની તપાસ ચાલું છે, એમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.