પાણીની ટાંકીમાં પડી ગયેલા બાળકોના માતાપિતાને 10 લાખનું વળતર મંજૂર
વડાલાની ઘટનામાં હાઈકોર્ટને મુંબઈ મહાપાલિકો જાણકારી આપી
આ રકમ કોન્ટ્રેક્ટર ચૂકવશે એમ પાલિકાના સોગંદનામામાં સ્પષ્ટતા
મુંબઈ : વડાલામાં ગયા મહિને મહર્શી કર્વે ગાર્ડનમાં પાણીની ખુલી ટાંકીમાં પડીને મૃત્યુ પામેલા બે બાળકોના માતાપિતાને દરેક બાળક દીઠ રૃ. પાંચ લાખનું વચગાળાનું વળતર મંજૂર કરાયું હોવાનું મુંબઈ મહાપાલિકાએ મંગળવારે બોમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું.
પાલિકાએ જણાવ્યા મુજબ સંબંધીત કોન્ટ્રેક્ટર આ રકમ બાળકોના માતાપિતાને આપશે. પાલિકાની સૂચના પર પાલિકા વતી એડવોકેટ અનિલ સિંહે એમ પણ જણાવ્યું હતું કે પાણીની ટાંકી હવે સંપૂર્ણ રીતે ઢંકાયેલી છે. કોર્ટે નોંધ કરી હતી કે મોટર એક્સિડેન્ટ અને ઈન્શ્યોરન્સ લોની અરજીઓ પાછળથી નક્કી કરાશે.
ન્યા. ગૌતમ પટેલ અને ન્યા. કમલ ખાતાની બેન્ચ સમક્ષ કોર્ટે સ્વેચ્છાએ હાથ ધરેલી જનહિત અરજીની સુનાવણી ચાલી રહી હતી. કોર્ટે પાલિકાને સવાલ કર્યો હતો કે શહેરમાં માનવી જીવનની શું કિંમત છે? અગાઉની સુનાવણીમાં કોર્ટે પાલિકાને બાળકોના પરિવારનું ઝૂંપડૂં તોડવાની કાર્યવાહીની વિગત પણ જણાવવા આદેશ આપ્યો હતો.
પાલિકાએ સોગંદનામામાં જણાવ્યું હતું કે તોડકામ દ્વારા જગ્યા સાફ કરવાનો પ્રયાસ ૨૦૧૬-૧૭થી થઈ રહ્યો હતો. આ વિસ્તારમાં પીડિત દંપતીનું ઝૂંપડું પણ આવતું હતું. ફેબુ્રઆરી ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન આ સંબંધી નોટિસો પણ અપાઈ હતી.
કોર્ટે નોંધ કરી હતી કે અરજીનો મુખ્ય મુદ્દોને અતિક્રમણ દૂર કરવાના મુદ્દાથી જુદો પડશેે અને આથી તેનો વધુ સંબોધન કરવાની જરૃર છે. કોર્ટે નોઁધ કરી હતી કે બાળકોના પિતાનું કોઈ બેન્ક ખાતું નથી. કોર્ટે કોર્ટ મિત્રને આ બાબતમાં સહાયતા કરવા જણાવ્યું હતું અને પિતા સાથે સંકલન સાધીને તેમને રકમ કઈ રીતે કોર્ટમાંથી મળી શકે તે જણાવવા નિર્દેશ અપાયો છે.
બાળકોના પિતાએ બેન્ક ખાતું ખોલાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને કોઈ પણ બેન્કમાં ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવી શકાય છે અને રજિસ્ટ્રી તેમને મદદ કરશે, એમ કોર્ટે નોંધ કરી હતી.