નવી મુંબઈમાં 10 ફલેમિંગો સાઈન બોર્ડ સાથે અથડાયાં, 4નાં મોત
નેરુલ સી વૂડસમાં વ્યૂ પોઈન્ટ પાસે જ કરુણ ઘટના
બહુ નીચે ઉડી રહેલાં ફલેમિંગો વહેલી સવારે અંધારામાં સાઈનબોર્ડ ન ઓળખી શક્યાઃમોર્નિંગ વોકર્સ તરત મદદે દોડયા
મુંબઈ : નવી મુંબઈના નેરુલમાં એક કમનસીબ ઘટનામાં, ચાર ફલેમિંગો આજે વહેલી સવારે સીવૂડ્સમાં ડીપીેએસ પબ્લિક સ્કૂલની પાછળના તળાવની બાજુમાં ઉભા કરાયેલા સાઈનબોર્ડ સાથે અથડાતા મૃત્યું પામ્યા હતા.
આજે સવારે નેરુલના સીવૂડસમાં ડીપીએસ પબ્લિક સ્કુલની પાછળના તળાવની બાજુમાં ઉભા કરાયેલા સાઈનબોર્ડ સાથે અથડાઈને ચાર ફ્લેમિંગો મૃત્યું પામ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ફ્લેમિંગો બહુ નીચે ઉડી રહ્યા હતા અને અંધારુ વધુ હોવાથી આ લગાવેલા સાઈનબોર્ડ ઓળખી શક્યા ન હતા.
સ્થાનિકોએ વધુમાં જણાવ્યા કહ્યુું હતું કે, લોકો અહીં દરરોજ સવારે ચાલવા આવતા હોય છે. ત્યારે વહેલી સવારે ૬.૪૫ વાગ્યે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. ફલેમિંગો રસ્તાની બીજી બાજુ જઈ રહ્યા હતા અને લગભગ ૨૦-૨૫ પક્ષીઓનું ટોળું નીચે ઊચાઈ પર ઊડી રહ્યું હતું. ત્યારે અચાનક ૧૦ જેટલા ફલેમિંગો સાઈનબોર્ડ સાથે અથડાને નીચે પડી ગયા હતા. આ ઘટના બન્યા બાદ સ્થાનિકો તરત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફાયર વિભાગને બોલાવ્યા હતા. ત્યાર બાદ ફાયર વિભાગે પક્ષીઓને બચાવવામાં મદદ કરનારા પ્લેનેટ અર્થ ફાઉન્ડેશનના પ્રાણીપ્રેમીઓને બોલાવ્યા હતા, એમ એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું.
જે બાદ પ્રાણપ્રેમીઓ સાથે મળીને સ્થાનિક લોકોએ ફલેમિંગો પક્ષીઓને રસ્તાની બીજી બાજુએ લઈ ગયા હતા અને દસથી પંદર મિનિટ દસ પક્ષીઓને શાંત કર્યા બાદ ફલેમિંગોને ફરી ઉડાવી મૂક્યા હતા. પ્રાણપ્રેમીઓ નીચે પડી ગયેલા ફ્લેમિંગોમાંથી કેટલાકને ઉડાડી મુકવામાં સફળ રહ્યા હતા.પરંતુ કમનસીબે ચાર પક્ષીઓ બચી શક્યા ન હતા. જે બાદ તેમણે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરીને આ ચાર ફ્લેમિંગોને તળાવમાં જ ડૂબાડી દીધા હતા.
આ મામલે એક સ્થાનિકે ઉમેર્યું હતું કે, પાલિકાએ અહીં તળાવના કિનારે પ્રતિબિંબીત લાઈટો લગાડવી જોઈએ. જેથી પક્ષીઓ અવરોધ્યા વિના તેની મુસાફરી કરી શકે અને તેથી આવી ઘટનાઓ ફરી ન બને.
આ ઘટના વર્લ્ડ વેટલેન્ડ દિવસની પૂર્વસંધ્યાએ બની હતી. તેથી પ્રાણીપ્રેમીઓ માટે આ એક આધાતજનક ઘટના બની રહી હતી. હાલ આ મામલે આવા સાઈનબોર્ડને હટાવવા માટે પ્રાણીપ્રેમીઓએ સીડકો કમિશ્નરને પત્ર લખી ફરિયાદ કરી છે.