Get The App

સરકારી વકીલના સ્વાંગમાં સસ્તાં સોનાની લાલચ આપી 10 કરોડની છેંતરપિંડી

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
સરકારી વકીલના સ્વાંગમાં સસ્તાં સોનાની લાલચ આપી 10 કરોડની છેંતરપિંડી 1 - image


અંધેરીની ચાલબાજ મહિલા કોર્ટ બહાર જ લોકોને ફસાવતી હતી

કસ્ટમમાં જપ્ત થયેલું સોનું સરકારી વકીલ તરીકે સસ્તામાં અપાવીશ તેમ કહી અનેક લોકોને છેતર્યાઃ વારંવાર નામ અને જગ્યા બદલતી હતી

મુંબઇ :  સરકારી વકીલ હોવાનો દાવો કરીને મહિલા વ્યાવસાયિક અને અન્ય સાથે અંદાજે રૃા. ૯.૮૬ કરોડની છેતરપિંડી કરનારી અંધેરીની ૫૬ વર્ષીય ચાલબાજ મહિલાને ડી.એન. નગર પોલીસે ઝડપી લીધી છે. આ ઠગ મહિલા કસ્ટમ્સ વિભાગે જપ્ત કરેલું સોનુ ઓછી કિંમતમાં આપવાનું કહીને લોકોને જાળમાં ફસાવતી હતી. 

આરોપીની વધુ એક મહિલા સાથીદાર સહિત બે જણની પોલીસ શોધખોળ કરી રહી છે. આ ટોળીએ બાંદરા, ઓશિવરા, અંધેરી, વાકોલા, મુલુંડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ જ મોડસ ઓપરેન્ડીથી ગુનાઓ કર્યા હોવાનું કહેવાય છે.  આરોપી શ્વેતા બડગુજર (ઉં.વ.૫૬)ની પોલીસે ધરપકડ કરી છે. તેની સાથીદાર સ્વાતી જાવકર અને દર્શન દેસાઇ ફરાર છે.

કોર્ટની બહાર લોકોનો સંપર્ક કરીને આરોપી મહિલા સરકારી વકીલ હોવાનું નાટક  કરતી હતી. તેઓ કસ્ટમ્સ વિભાગે જપ્ત કરેલું સોનુ હરાજીમાં સસ્તામાં આપવાનું કહીને લોકો પાસેથી પૈસા પડાવતા હતા.

પીડિત વ્યક્તિનો વિશ્વાસ જીતવા આરોપી દુકાનમાંથી સોનુ ખરીદીને તેમને ઓછી કિંમતમાં વેચતા હતા. ગત ઓક્ટોબર મહિનામાં શ્વેતા અને સ્વાતીએ અંધેરી વિસ્તારમાં મહિલા વ્યાવસાયિક અને તેના નજીકના લોકો પાસેથી રૃા. ૯.૮૬ કરોડ લીધા હતા. પણ તેમને સોનું આપ્યું નહોતું.

આથી પીડિતાએ તેની પાસે પૈસા પાછા માંગ્યા હતા. ત્યારે તેણે પીડિતા અને તેના પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જો કે પીડિતાએ ડી.એન. નગર પોલીસનો સંપર્ક કરી એફઆઇઆર નોંધાવી હતી. ચાલબાજ આરોપી મહિલા વારંવાર નામ અને જગ્યા બદલતી હોવાથી પોલીસને તેમને પકડવામાં મુશ્કેલી થઇ રહી હતી.

પોલીસથી બચવા ઉંઘની ગોળીઓ ખાધી

આરોપી મહિલાની પુણેમાં હોવાની પોલીસને જાણ થઇ હતી. આથી પોલીસની ટીમ તેને પકડવા પુણે ગઇ હતી. સ્થાનિક પોલીસે આની જાણ કરવામાં આવી હતી. આરોપી મહિલાને ખબર પડી કે પોલીસ તેની ધરપકડ કરવાની છે આથી તેણે ધરપકડથી બચવા ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી. તેની સામે બાંદરામાં ત્રણ, મુલુંડમાં એક, વાકોલામાં એક, ઓશિવરામાં એક, ડી.એન. નગરમાં એક કેસ દાખલ હોવાનું જાણવા મળ્યું છે.  



Google NewsGoogle News