બાબા સિદ્દીકી હત્યાનાં કાવતરામાં સામેલ વધુ 1 યુવકની પુણેથી ધરપકડ
કોર્ટે 9મી નવેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ આપ્યા
ફરાર આરોપીએ પિસ્તોલ ચલાવવાની ટ્રેનિંગ આપી હતી, સિદ્દિકી હત્યા કેસમાં કુલ 16ની ધરપકડ
મુંબઈ : એનસીપી નેતા બાબા સિદ્દીકી હત્યાકાંડમાં મુંબઇ પોલીસ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક યુવકની ધરપકડ કરી છે. પુણેથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ફરાર આરોપીએ તેને પિસ્તોલ ચલાવવાની ટ્રેનિંગ આપી હતી. તેને ગુનામાં સામેલ થવા સારી રકમ આપવાનું વચન આપવામાં આવ્યું હતું.
પુણેના કર્વેનગરમાં રહેતા ૨૩ વર્ષીય ગૌરવ વિલાસ અપુણે પકડાતા ચકચારજની કેસમાં આ ૧૬મી ધરપકડ છે. આરોપી ગૌરવને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને ૯મી નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાચની ટીમે સિદ્દીકી મર્ડર કેસમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા ગૌરવની સંડોવણીની જાણ થઇ હતી. પોલીસને તપાસમાં માલૂમ પડયું હતું કે પુણેનો ગૌરવ પણ સિદ્દીકીની હત્યાના કાવતરામાં સામેલ હતો. અમૂક ફરાર આરોપીએ તેને પિસ્તોલ ચલાવવાની ટ્રેનિંગ આપી હતી. તેમજ ગૌરવને મોટી રકમ ચૂકવવાની ખાતરી આપવામાં આવી હતી.
ગત ૧૨ ઓક્ટોબરના દશેરાની રાતે બાંદરામાં વિધાનસભ્ય પુત્ર ઝિશાન સિદ્દીકીની ઓફિસ પાસે જ બાબા સિદ્દીકીની ત્રણ શૂટરે અંધાધૂંધ ગોળીબાર કરી હત્યા કરતા મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. લોરેન્સ બિશ્નોઇ ગેંગે હત્યાની કબૂલાત કરી હતી.
મુંબઇ પોલીસે તાત્કાલિક ઝીણવટભરી તપાસ હાથધરી અત્યાર સુધીમાં ૧૬ આરોપીને ઝડપી લીધા હતા. અગાઉ પકડાયેલો ૩૨ વર્ષીય સુજીત સિંહ તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા વિદેશમાં રહેતા લોરેન્સના ભાઇ અનમોલ બિશ્નોઇના સંપર્કમાં હોવાની શંકા છે. ફરાર શુભમ લોણકર અને મોહમ્મદ ઝિશાન અખ્તરે હત્યામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સિંહે અન્ય આરોપીને પૈસા અને શસ્ત્રો પૂરા પાડયા હતા. હત્યાના એક મહિના અગાઉ સિંહ મુંબઇ છોડીને નાસી ગયો હતો. તેની લુધિયાણાથી ધરપકડ કરાઇ હતી.
બબલુ તરીકે પણ સિંહ જાણીતો છે. તે અખ્તરના સંપર્કમાં હતો. તે ચારથી પાંચ મહિના પૂર્વે સપ્રે અને અન્ય આરોપીના સંપર્કમાં આવ્યો હતો. અભિનેતા સલમાન ખાન સાથે નજીકના સંબંધના લીધે બાબા સિદ્દીકીની બિશોનઇ દ્વારા હત્યા કરાઇ હોવાનું કહેવાય છે.