પુણેમાં જીબીએસથી વધુ 1 મહિલાનું મોતઃ કુલ 127 કેસ નોંધાયા
અગાઉ સોલાપુરમાં એકનું મોત થયું હતું
મહિલા અન્ય બીમારીઓ પણ ધરાવતી હતીઃ હાલ કુલ ૨૦ દર્દીઓ વેન્ટિલેટર પર
મુંબઈ - પુણેની ૫૬ વર્ષની મહિલાનું જીબીએસ (ગિઆન બરે સિન્ડ્રોમ)ની બીમારીથી મૃત્યુ થયું હોવાની શંકાને પગલે મહારાષ્ટ્રમાં મૃત્યુનો આંકડો બે પર પહોંચ્યો છે. આ પહેલા સોલાપુરના એક પુરૃષ દરદીનું મૃત્યુ થયું હતું.
આરોગ્ય વિભાગના અધિકારી તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ પુણેની સરકારી સસૂન હોસ્પિટલમાં મૃત્યુ પામેલી મનાતી આ મહિલા અન્ય બીમારીઓથી પણ ગ્રસ્ત હતી.
માનવ શરીરની ઈમ્યુન સિસ્ટમ પર જ હુમલો કરતી જીબીએસ બીમારીના ૧૨૭ શંકાસ્પદ દરદીઓ નોંધાયા છે. બુધવારે જીબીએસના વધુ ૧૬ દર્દી નોંદાયા હતા. આમાંથી ૯ દરદી પુણે બહારના જિલ્લાના છે. આમાંથી ૭૨ દરદીને જીબીએસની બીમારી કન્ફરમ થઈ છે. આ પૈકી ૨૦ દરદીઓ અત્યારે વેન્ટિલેટર પર છે. ૧૨૨ દરદીના મળના નમૂના (સ્ટૂલ-સેમ્પલ) તપાસ માટે નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ વાઈરોલોજીને મોકલવામાં આવ્યા છે.
અત્યાર સુધી પોઝિટિવ જણાયેલા દર્દીઓમાં ૨૧ નોરો વાયરસ જ્યારે પાંચ કેમપીલોબેક્ટેર નો ચેપ ધરાવતા હોવાનું જણાયું છે.
પુણેના વિવિધ ભાગોમાંથી ૧૪૪ વોટર સેમ્પલનું પરીક્ષણ કરાયું હતું. તેમાંથી આઠ કન્ટેમિનેટેડ જણાયા હતા.