Get The App

સલમાનના ઘરે ફાયરિંગ કેસમાં હરિયાણાથી વધુ 1ની ધરપકડ

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
સલમાનના ઘરે ફાયરિંગ કેસમાં હરિયાણાથી વધુ 1ની ધરપકડ 1 - image


ધરપકડ બાદ મુંબઈ લાવી પૂછપરછ શરુ કરાઈ

હરિયાણાથી ઝડપાયેલો આ આરોપી લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ પાસેથી સૂચનાઓ લઈ શૂટરને આપતો હતો

મુંબઈ :  બોલીવુડ અભિનેતા સલમાન ખાનના બાંદરાના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગોળીબાર કરવાના ચકચારજનક કેસમાં હરિયાણાથી વધુ એક શખસને પકડવામાં આવ્યો છે. તે બે શૂટરમાંથી એકના સતત સંપર્કમાં હતો, એમ પોલીસે કહ્યું હતું. તેની પૂછપરછ બાદ પોલીસ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીની વધુ માહિતી  મેળવી શકે છે.

સલમાન ખાનને ડરાવવા માટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા ગત રવિવારે વહેલી સવારે તેના નિવાસસ્થાને ફાયરીંગ કરાવવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ- ૯ની ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી કચ્છમાં માતાના મઢથી બે શૂટર સાગર પાલ (ઉં.વ.૨૧) અને વિકી ગુપ્તા (ઉં.વ.૨૪)ની ધરપકડ કરવામાં આવી હતી.

આ ઘટના બાદ ફેસબુક પર પોસ્ટ કરી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે ફાયરીંગની જવાબદારી સ્વીકારી હતી. હવે પોલીસે હરિયાણાથી વધુ એક શખસને પક્યો છે. તે ગોળીબાર પહેલાં અને પછી બે શૂટરમાંથી એકના સતત સંપર્કમાં હતો. ફરાર અનમોલ બિશ્નોઈના તે સંપર્કમાં હતો અને તેની પાસેથી સૂચના લેતો હોવાની શંકા છે.

બંને શૂટર ફાયરીંગ બાદ હૈદરાબાદના શંકાસ્પદ શખસને તેમની હિલચાલ વિશે વિગતવાર માહિતી આપી રહ્યા હતા. આ કોલ ઈન્ટરનેટનો ઉપયોગ કરીને કરવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈમાંથી પલાયન થયા બાદ પાલ અને ગુપ્તા ભુજ તરફ જઈ રહ્યા હતા. તેઓ વાત કરવા મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા તેનું સિમ કાર્ડ સુરત નજીક બદલી નાખ્યું હતું.

પોલીસથી બચવા આરોપીઓ વારંવાર મોબાઈલ ફોન સ્વિસ ઓફ કરી દેતા હતા. પરંતુ તેઓ વારંવાર એક જ નંબરથી ફોન કરતા હતા. તેઓ સુપારીની રકમ મેળવી રાજસ્થાન કે નેપાળ નાસી જવાના હતા એમ કહેવાય છે. આ રકમ મેળવવા તેઓ ફોન કરતા હતા. જેના લીધે પોલીસને મહત્ત્વની કડી મળી હોવાનું કહેવાય છે.

પોલીસે અગાઉ એવો દાવો કર્યો હતો કે પાલ અને ગુપ્તાને ખાનના નિવાસસ્થાને શૂટીંગ કરવા માટે લગભગ રૃ.એક લાખ આપવામાં આવ્યા હતા અને કામ પૂરું થયા પછી સુપારીની બાકી રકમની ચૂકવણીનું વચન આપવામાં આવ્યું હતું.

હરિયાણાથી શંકાસ્પદ શખસને પકડીને મુંબઈ લાવવામાં આવ્યો હતો. તેની પૂછપરછ કરવામાં આવી હતી.



Google NewsGoogle News