સિદ્દિકી હત્યાકાંડમાં યુપીથી વધુ 1 આરોપી હરીશ નિશાદની ધરપકડ
શૂટર્સને ફંડ તથા લોજિસ્ટિક સપોર્ટ આપ્યો હતો
ઉત્તર પ્રદેશથી પકડાયેલો યુવક પુણેમાં ભંગારની દુકાનમાં કામ કરતો હતો
મુંબઈ : મુંબઈ પોલીસે એનસીપી નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની હત્યાના મામલામાં ઉત્તર પ્રદેશથી ૨૩ વર્ષીય યુવકની ધરપકડ કરી છે. તેણે સિદ્દીકીના મર્ડર માટે શૂટરોને પૈસા અને લોજિસ્ટિક્સ સપોર્ટ પૂરો પાડયો હોવાનું કહેવાય છે. કોર્ટે આરોપીને ૨૧ ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
એક અધિકારીએ જણાવ્યું હતું કે '૨૩ વર્ષીય હરીશકુમાર મૂળ ઉત્તર પ્રદેશના બહરાઈચનો વતની છે. પુણેના વારજે વિસ્તારમાં તે ભંગારની દુકાનમાં કામ કરતો હતો. તે સિદ્દીકીની હત્યાના કાવતરામાં સામેલ કર્યો અને શૂટરોને આર્થિક મદદ કરી હતી. ક્રાઇમબ્રાન્ચની ટીમે યુપીના બહરાઈચથી હરીશકુમારને ઝડપી લીધો છે અને મંગળવારે સવારે તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો. આમ આ મર્ડર કેસમાં અત્યાર સુધી ચાર આરોપીની ધરપકડ થઈ છે. એમાં બે શૂટર હરિયાણાના ગુરુમેલસિંહ (ઉં. વ. ૨૩), ઉત્તર પ્રદેશના ધર્મરાજ કશ્યપ (ઉં. વ. ૧૯) તથા ગુનામાં સામેલ પ્રવીણ લોણકરનો સમાવેશ છે. અન્ય એક શૂટર શિવકુમાર ગૌતમ ફરાર છે. તે પણ ઉત્તર પ્રદેશના બહરાઇચનો રહેવાસી છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતે બાબા સિદ્દીકીની હત્યા કરી હોવાની કબૂલત કરી હતી. આ પોસ્ટ પ્રવિણ લોણકરના ભાઈ શુભમ લોણકરના નામથી કરવામાં આવી હતી.
પોલીસ સોશિયલ મીડિયા પોસ્ટની તપાસણી કરી રહી છે. તેમણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ થોરોટી અને પત્ર લખીને પોસ્ટ વિશે વધુ વિગતો માગી છે.
હરિશ નિશાદને ૨૧મી સુધીના રિમાન્ડ
એનસીપીના નેતા અને રાજ્યના માજી પ્રધાન બાબા સિદ્દીકીની હત્યા સંબંધે પકડાયેલા ચોથા આરોપીને કોર્ટે ૨૧ ઓક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી આપી છે.
આરોપી હરિશકુમાર નિસાદ (૨૩)ને ઉત્તર પ્રદેશના બહરૈચમાંથી પકડી પડાયો હતો. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે પુણેમાં ભંગારનો વ્યવસાય કરતો નિસાદ પણ સિદ્દીકીની હત્યાના કવતરામાં સહભાગી હતો અને તેણે આ કામ માટે આર્થિક મદદ આપી હતી. પોલીસે આર્થિક વ્યવહારની વિગત તેમ જ કોણે તેમને સ્પોન્સર કર્યા છે તેની શોધ કરવાની જરૃરી હોવાનું જણાવ્યું હતું.
પોલીસે અગાઉ હરિયાણાના રહેવાસી ગુરમૈલ સિંહ (૨૩), ઉત્તર પ્રદેશના વતની ધર્મરાજ કશ્યપ (૧૯)ની ધરપકડ કરી હતી. બંને શૂટર હોવાની શંકા છે અને પુણેના સહકાવતરાખોર પ્રવીણ લોણકરની પણ ધરપકડ કરાઈ હતી. તેમને ૨૧ ઓક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી અપાઈ છે. વધુ અકે શૂટર શિવકુમાર ગૌતમ પણ બહરૈચનો છે પણ હજી ફરાર છે.
શનિવારે રાત્રે બાંદરાના ખેરવાડી જંક્શન પર ધારાસભ્ય પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસની બહાર બાબા સિદ્દીકીને ગોળીબારમાં ઠાર કરાયા હતા.