એપીએમસીમાં 1 લાખ પેટી આફૂસ- કેરીની આવક
અક્ષય તૃતીયાના મૂહુર્તમાં ધૂમ આવક
કોંકણની સિઝન હવે પૂરી થવા આવીઃ મે મહિનાને અંતે ગુજરાતની કેરી આવવા માંડશે
મુંબઇ : અક્ષય તૃતીયાના મૂહુર્તમાં નવી મુંબઇ એપીએમસી (અગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટિ)ની ફળ બજારમાં એક લાખ પેટી આફૂસ- કેરીની આવક થઇ છે. કેરીની સિઝનમાં ગુડી પડવા અને અક્ષય તૃતીયા પર્વનું ખાસ મહત્વ હોય છે.
શુક્રવારે અક્ષય- તૃતીયાનો તહેવાર છે એ પૂર્વે ટ્રકો અને ટેમ્પો ભરી ભરીને કેરીની પેટીઓ માર્કેટમાં આવવા લાગી છે. માર્કેટમાં કોકણથી ૪૭ હજાર પેટી આફૂસ અને અન્ય રાજ્યોમાંથી ૫૩ હજાર પેટી જુદી જુદી જાતની કેરીઓની આવક થઇ છે. મંગળવારે ૧.૧૩ લાખ પેટી અને બુધવારે ૧.૧ લાખ પેટી કેરી આવી હતી.
હોલસેલમાં આફૂસ કેરી ૩૦૦થી ૫૦૦ રૃપિયે ડઝન અને રિટેલ માર્કેટમાં ૬૦૦થી ૧૦૦૦ રૃપિયે ડઝનના ભાવે સારી ક્વોલિટીની આફૂસ વેંચાય છે. હવે કોકણની આફૂસની સિઝન પૂરી થવા આવી છે. એટલે કર્ણાટક અને અન્ય રાજ્યોની કેરીઓ આવવાની શરૃઆત થઇ ગઇ છે.
મે મહિનાને અંતે ગુજરાતની કેરીઓ આવવા માંડશે. જૂનમાં જુન્નરની કેરી આવશે અને ત્યાર પછી ઉત્તર પ્રદેશની કેરીઓ આવવા માંડશે એમ માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું.