આઈઆઈટી-બોમ્બેમાં 22 વિદ્યાર્થીઓને 1 કરોડનું પેકેજ
પ્લેસમેન્ટ વિભાગે ભૂલ સુધારી
આ પૂર્વે 85 વિદ્યાર્થીઓને એક કરોડથી વધુનું વાર્ષિક પેકેજ મળ્યાનું જાહેર કરાયું હતું
મુંબઈ : આઈઆઈટી મુંબઈમાં ડિસેમ્બરના પહેલાં અઠવાડિયે યોજાયેલ કેમ્પસ પ્લેસમેન્ટના પ્રથમ તબક્કામાં ૮૫ વિદ્યાર્થીઓને એક કરોડનું પેકેજ મળ્યાનું જાહેર કરાયું હતું. પરંતુ તે બાબતે હવે ખુલાસો કરાયો છે. આઈઆઈટીએ સુધારો કરી જણાવ્યું છે કે એક કરોડનું પેકેજ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૮૫ નહીં પરંતુ માત્ર ૨૨ છે.
પહેલીથી ૨૦મી ડિસેમ્બર દરમ્યાન આઈઆઈટી-બીમાં કેમ્પસ પ્લેસમેન્ટનો પ્રથમ તબક્કો પાર પડયો. તેમાં દેશ-વિદેશની ૩૮૮ કંપનીઓએ ભાગ લીધો હતો અને ૧,૩૪૦ વિદ્યાર્થીઓમાંથી આ કંપનીઓએ ૮૫ વિદ્યાર્થીઓને વાર્ષિક એક કરોડથી વધુનું પેકેજ મળ્યું હોવાનું આઈઆઈટી-બોમ્બેના પ્લેસમેન્ટ વિભાગે જાહેર કર્યું હતું.
જાપાન, તાઈવાન, દક્ષિણ કોરિયા, નેધરલેન્ડ, સિંગાપોર, હાઁગકાઁગ વગેરે દેશની આંતરરાષ્ટ્રીય કંપનીઓ મારફત મોટા પેકેજ વિદ્યાર્થીઓને મળ્યા હોવાનું પણ જણાવ્યું હતું. પરંતુ તેમાં સુધારો છે. જોકે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે એક કરોડથી વધુનું પેકેજ મેળનારાઓની સંખ્યા આ વર્ષે વધારે છે. ગયા વર્ષે ૧૪ વિદ્યાર્થીઓને એક કરોડની ઓફર મળી હતી. જેમાંથી બે ડોમેસ્ટિક અને ૧૪ ઈન્ટરનેશનલ કંપની હતી. જોકે આ વર્ષે ૨૨ વિદ્યાર્થીઓને આ તક મળી છે. જેમાંના ૧૯ ઈન્ટરનેશનલ કંપની દ્વારા તો ત્રણ વિદ્યાર્થી ડોમેસ્ટિક કંપની દ્વારા નોકરીની તક મેળવેલ છે.