1 કરોડની આવક જોઈએ, યુરોપ-ઇટલીના મૂરતિયાને પહેલી પસંદગી
મુંબઈની લગ્નોત્સુક મહિલાની પોસ્ટ વાયરલ બની
વર્ષે 4 લાખ કમાતી મહિલાને ઈચ્છિત મૂરતિયો મળવાની સંભાવના 0.01 ટકા હોવાની કોમેન્ટસ
મુંબઈ : લગ્ન એ એક કોન્ટ્રાક્ટ છે, એમ કહેવાય છે પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટ લગ્ન એ ભવિષ્યની આર્થિક સલામતી માટેની ગેરંટીનું સાધન છે કે કેમ એવો પ્રશ્ન પણ ઊભો કરે છે. જ્યાં મુંબઈમાં રહેતી એક ૩૭ વર્ષીય મહિલાની પતિ તરીકે મૂરતિયા પાસેથી અપેક્ષાઓની થયેલી પોસ્ટ ચર્ચાને પાત્ર બની છે.
એક યુઝરે શેર કરેલ સ્ક્રીન શોટમાં મહિલાની અપેક્ષાઓ લખાયેલી છે. મહિલા પોતે મુંબઈની રહેવાસી છે. તેનો વાર્ષિક પગાર ચાર લાખ રુપિયા છે. ઘરમાં નાની બહેન અને નાનો ભાઈ છે. પરંતુ તે મહિલાની પતિ પાસેથી જબરી અપેક્ષા છે. મુંબઈમાં ઘર હોવું જોઈએ, નોકરી કે વ્યવસાય કરતો પતિ જોઈએ અને તેની વાર્ષિક આવક એક કરોડ કે તેથી વધુ હોવી જોઈએ. છોકરો એમબીબીએસ કે સીએ હોવો જોઈએ. તેની પાસે સંપત્તિ હોવી જોઈએ અને જો તે વિદેશમાં રહેતો હોય તો યુરોપને પ્રાધાન્ય અપાશે, ઈટલીનો મૂરતિયો પણ ચાલશે.
બીજી એપ્રિલના શેર થયેલ આ પોસ્ટને એક જ દિવસમાં હજારો વ્યુ મળ્યાં છે અને લોકોએ કમેન્ટ્સમાં તેની વિવિધ રીતે ઠેકડી ઉડાવી છે. કોઈએ તો એવું પણ લખ્યું છે કે, મહિલાએ ખૂબ કરજો કર્યો હશે આથી તેને વ્યાજ ઉતારવા કોઈ બકરો જોઈએ છે. જોકે ભારતમાં માત્ર ૧.૭ લાખ લોકોની જ આવક એક કરોડ છે. આથી તે મહિલાને જોઈએ છે તેવો પતિ મળવાની સંભાવના માત્ર ૦.૦૧ ટકા છે. જોકે આ માત્ર એક સોશિયલ મીડિયાની પોસ્ટ છે પરંતુ આજની સામાજિક વાસ્તવિકતા ખરેખર આનાથી કંઈ અલગ નથી. સમાજમાં આજે લગ્નો ન થતાં હોવા પાછળ આવા અનેક કારણો જવાબદાર છે.