સુરતના દાગીના નિર્માતા દ્વારા મુંબઈની કંપની સાથે 1.84 કરોડની છેંતરપિંડી
સસ્તામાં જોબવર્ક કરી આપવાનું કહી સોનું મેળવ્યું હતું
દાગીના ન આપ્યાં કે 3 કિલો સોનું પણ પાછું ન આપતાં સુરતના કતારગામના ગૌતમ વાઘ સામે છેંતરપિંડીની ફરિયાદ
મુંબઇ : સુરતના દાગીના બનાવનારાએ સસ્તામાં દાગીના બનાવવાનું કહી ત્રણ કિલો સોનું આપ્યા બાદ દાગીના કે સોનું કશું પરત નહીં આપી મુંબઈની કંપની સાથે ૧.૮૪ કરોડની છેંતરપિંડી આચરી હોવાની ફરિયાદ મુંબઈના એન.એમ. જોશી પોલીસ મથકે નોંધાઈ છે.
લોઅર પરેલની પ્રિઝમ એન્ટરપ્રાઈઝના એડમિનિસ્ટ્રેટિવ મેનેજર રોમિલ સંઘવીએ એનએમ જોશી માર્ગ પોલીસ મથકે સુરતના કતારગામના વસ્તા દેવડી રોડ પર મુખી એમ્પાયરમાં અપેક્ષા જવેલ્સ ના નામે બિઝનેસ કરતા ગૌતમ વાઘ સામે પોલીસ ફરિયાદ આપી હતી.
પોલીસ ફરિયાદમાં જણાવાયા અનુસાર તેમની કંપની મુંબઈ સહિત અન્ય સ્થળોએ વિવિધ સ્ટોર્સ તથા બુટિકને જ્વેલરી સપ્લાય કરે છે. ગૌતમ વાઘે તેમની કંપનીનો સંપર્ક કરી દાવો કર્યો હતો કે પોતે સોનામાંથી સસ્તી મજૂરી લઈ દાગીના ઘડી આપવાનું જોબવર્ક કરે છે. આ સંદર્ભમાં પ્રિઝમ એન્ટરપ્રાઈઝ અને ગૌતમ વાઘની અપેક્ષા જ્વેલ્સ વચ્ચે સમજૂતી કરાર થયા હતા. જેમાં ગૌતમ વાઘને સોનું અપાય તેના સાત દિવસમાં તેણે દાગીના ઘડી આપી પરત કરવાં તેવું નક્કી થયું હતું.
પ્રિઝમ એન્ટરપ્રાઈઝ દ્વારા ગૌતમ વાઘને ત્રણ કિલો સોનું અપાયું હતું. જોકે, લાંબો સમય વિતી જવા છતાં પણ ગૌતમ વાઘ દ્વારા દાગીના બનાવીને અપાયાં ન હતાં. તેમને અપાયેલું સોનું પણ પરત કરાયું ન હતું.
આ અંગેની ફરિયાદ અપાતાં એન એમ જોશી માર્ગ પોલીસ મથકે ગૌતમ વાઘ સામે વિશ્વાસભંગ બદલ આઈપીસી ૪૦૯ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.