લાંચિયા ફોરેસ્ટ ઓફિસર સંદિપ ચૌરેના ઘરેથી 1.50 કરોડ રોકડા, 58 તોલા સોનું મળ્યાં
વન અધિકારીના ઘરે રાચરચીલું જોઈ પોલીસ દંગ રહી ગઈ
મીરા રોડમાં 2 ફલેટ ઉપરાંત નવી મુંબઈ અને બીડમાં પણ પ્રોપર્ટી : છટકાંની ગંધ આવી જતાં ફરાર ચૌરેની શોધખોળ
મુંબઈ : જમીન કેસમાં ૨૦ લાખ રૃપિયાની લાંચ માંગનાર માંડવીના ફોરેસ્ટ ઓફિસર સંદીપ ચૌરેના મીરા રોડ ખાતેના ઘરમાંથી ૧ કરોડ ૩૭ લાખની રોકડ રકમ અને ૫૮ તોલા સોનું મળી આવ્યું છે. તેમ જ તેના આલીશાન ઘરમાંથી મોંઘું ફનચર અને વસ્તુઓ મળી આવી હતી. પોલીસે માહિતી આપી હતી કે તેની પાસે બીડ અને નવી મુંબઈમાં પણ ઘર છે અને તેની પાસે પિસ્તોલ છે.
માંડવી ઝોનના ફોરેસ્ટ ઓફિસર સંદીપ ચૌરે દ્વારા જમીનની તરફેણમાં નિર્ણય લેવા માટે ૨૦ લાખ રૃપિયાની માગણી કરવામાં આવી હતી. તદનુસાર, પાલઘરના એન્ટી કરપ્શન બ્યુરો વિભાગે મંગળવારે માંડવી પોલીસ મથકમાં તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેને પકડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. પરંતુ, તે ફરાર થઇ ગયો હતો.
મોડી રાતે, થાણેના લાંચ વિરોધી વિભાગે મીરા રોડના પૂનમ નગરમાં તેના આસોપાલવ સોસાયટીના ઘર પર દરોડો પાડયો હતો. આ ઈમારતની ડી વિંગમાં સંદીપ ચૌરેના ૬૦૧ અને ૬૦૨ નામના બે ફ્લેટ છે. તે તેની પત્ની અને બાળકો સાથે ત્યાં રહેતો હતો. તેમનું ઘર વૈભવી અને મોંઘા ફનચર અને ઊંચી વસ્તુઓથી શણગારવામાં આવ્યું હતું.
એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ૧ કરોડ ૩૧ લાખ રોકડ અને ૫૮ તોલા સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ ગુનામાં વપરાયેલ વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે. સંદીપ ચૌરેનું ઘર બીડ જિલ્લાના ખંડાલામાં અને તેનું ઘર નવી મુંબઈમાં પણ મળી આવ્યું છે. આ ઉપરાંત પોલીસે તેની પાસે સરકારી પિસ્તોલ અને ૬ જીવંત કારતૂસ પણ મળી આવ્યા હોવાનું જણાય આવ્યું હતું.
શું છે મામલો?
ફરિયાદી વસઈના સાસુપાડા ખાતે ૭ ગુંઠા જમીન ધરાવે છે. ૨૦૦૭ માં, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના વન વિભાગે આ સ્થળને સીલ કરી લીધું હતું. આ કેસ માંડવી પરિક્ષેત્રમાં પ્રલંબિત હતો. આ કેસમાં માંડવી રેન્જ ઓફિસર એસ.ટી.ચૌરેએ ફરિયાદી વતી હકીકતલક્ષી અહેવાલ રજૂ કરીને તેને પરત મેળવવાની ખાતરી આપી હતી. તે માટે ૨૦ લાખ રૃપિયાની લાંચ માંગવામાં આવી હતી. આ અંગે ફરિયાદીએ પાલઘર એન્ટી કરપ્શન વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. સંદીપ ચૌરે અને તેનો સાથીદાર,ચંદ્રકાંત પાટીલ મંગળવારે બપોરે ૧૦ લાખ રૃપિયાના હપ્તા સ્વીકારવા માટે વસઇ-ઈસ્ટના એવરશાઇન સિટીમાં આવ્યા હતા. એન્ટી કરપ્શન વિભાગે ત્યાં છટકું ગોઠવ્યું હતું. પરંતુ તેને શંકા જતાં તે પૈસા લીધા વગર જ નીકળી ગયો હતો. આ કેસમાં સંદીપ ચૌરેએ લાંચ માંગી હોવાનું માલુમ પડતાં બન્ને સામે માંડવી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.