Get The App

પ્રદૂષણ ફેલાવતા વાહનો પાસેથી 1.5 કરોડનો દંડ વસૂલાયો

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
પ્રદૂષણ  ફેલાવતા વાહનો પાસેથી 1.5 કરોડનો દંડ વસૂલાયો 1 - image


55 હજાર વાહનચાલકો  સામે આરટીઓની કાર્યવાહી

શહેરમાં પ્રદુષણ સૌથી વધુ હતું તેવા સમય દરમ્યાન સૌથી વધુ વાહનો પીયુસીના ઉલ્લંઘન માટે પકડાયા

મુંબઈ :  શહેરની પોલીસે આ વર્ષે અત્યાર સુધી વાયુ પ્રદુષણ માટે જવાબદાર હોય તેવા પંચાવન હજાર વાહનના માલિકો પાસેથી રૃા. ૧.૫ કરોડના દંડની વસુલી કરી છે. એમાંથી લગભગ ૪૦ ટકા કિસ્સા નવેમ્બર-ડિસેમ્બરમાં નોંધાયા હતા જ્યારે વાયુ પ્રદુષણ તેના ઉચ્ચ સ્તરે હતું. રાજ્યના પરિવહન વિભાગે ગયા મહિનાથી અત્યાર સુધી પીયુસી (પોલ્યુશન અંડર કંટ્રોલ)ના ઉલ્લંઘનો માટે ૧૩ હજાર વાહનોની ચકાસણી કરી હતી અને તેમાંથી ૨,૨૦૦ વાહનમાલિકો પાસેથી દંડ પેટે પચ્ચીસ લાખની વસુલી કરી હતી.

થાણે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ દ્વારા વાયુ પ્રદુષણના નિયમોનું ઉલ્લંઘન કરતા સૌથી વધુ વાહનો પકડાયા હતા જેના પછી પેણ અને અંધેરી આરટીઓનો ક્રમ હતો. ટ્રાફિક વિભાગના જોઈન્ટ પોલીસ કમિશનરે  સાતમી નવેમ્બરે જ જાહેરાત કરી હતી કે પીયુસી ઉપરાંત વાહનની એક્ઝોસ્ટ સીસ્ટમમાં કટ-આઉટનો ઉપયોગ કરતા તેમજ ફિટનેસ મર્યાદા પૂરી થયા પછી પણ રસ્તા પર ચાલતા અને જોખમી રીતે બાંધકામ સામગ્રી લઈ જતા વાહનના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે. એક્ઝોસ્ટ સીસ્ટમમાં કટઆઉટનો ઉપયોગ કરતા વાહનોના સાયલન્સર જપ્ત કરવામાં આવી રહ્યા છે.

કાર, એસયુવી અને ટ્રક માટે પ્રથમવારના ઉલ્લંઘન માટે રૃા બે હજારનો દંડ નક્કી કરાયો છે તેમજ ત્રણ મહિના માટે ચાલકનું લાયસન્સ રદ કરાય છે. ચાલક જો વાહનનો માલિક ન હોય તો બંનેએ રૃા. બે હજારનો દંડ ચુકવવો પડે છે. ત્યાર પછીના પ્રત્યેક ઉલ્લંઘન માટે રૃા પાંચ હજારનો દંઢ લાદવામાં આવે છે. ચાલક વાહનનો માલિક ન હોય તો કુલ પેનલ્ટી રૃા. ૧૦ હજાર જેટલી પણ થઈ શકે છે. કેટલાક કિસ્સામાં વાહનમાલિકોએ પ્રત્યેક પીયુસી ઉલ્લંઘન માટે ચાર હજાર રૃપિયા ચુકવવા પડયા હતા.

બે અને ત્રણ વ્હીલરો માટે  પહેલા ઉલ્લંઘન માટે રૃા. એક હજાર અને ત્યાર પછી રૃા. ત્રણ હજારનો દંડ વસુલાય છે. ઉપરાંત લાયસન્સ પણ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે.

સમગ્ર શહેરમાં આરટીઓની ટીમોએ ૬૮ પીયુસી કેન્દ્રો ખાતે ચકાસણી કરી હતી. વિભાગે જણાવ્યું કે કોઈ અનિયમિતતા નહિ જણાય તો પણ ચકાસણી ચાલુ રાખવામાં આવશે અને ઉલ્લંઘન જણાશે તો દંડ લગાડાશે.

ઉલ્લેખનીય છે કે ફોજદારી ગુનો નોંધવાની સત્તા શહેર અને રાજ્યની પોલીસ પાસે હોય છે. ટ્રાફિક પોલીસે પણ હવે તેમને ગુનો નોંધવાનો અધિકાર આપવાની માગણી કરી છે. વિભાગના મતે અપરાધની નોંધ કરવાની અને તેની ચકાસણી કરવાના અધિકારથી લોકોમાં મજબૂત સંદેશો જશે. હાલ ટ્રાફિક પોલીસ પાસે માત્ર વાહન જપ્ત કરવાની અને દંડ વસુલવાની જ સત્તા છે.



Google NewsGoogle News