મરાઠી સાઈનબોર્ડ નહીં લગાડનારા દુકાનદારોને 1.35 કરોડનો દંડ, 1 લાખ દુકાનોની તપાસ
Mumbai: બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ નવેમ્બર 2023 અને જુલાઈ 2024 વચ્ચે શહેરના 24 વોર્ડમાં 94,903 દુકાનો, ઓફિસો, પેઢીઓ સહિતના એસ્ટાબ્લીશમેન્ટસનું ઈન્સ્પેક્શન કરી મરાઠી ભાષામાં સાઈનબોર્ડ નહીં લગાવ્યું હતું તેમને 1.35 કરોડનો દંડ કર્યો છે.
મરાઠીમાં સાઈનબોર્ડ રાખવાની જોગવાઈ મહારાષ્ટ્ર શોપ્સ એન્ડા એસ્ટાબ્લીશમેન્ટસ એક્ટમાં કરવામાં આવી છે. વર્ષ 2017ના આ કાયદામાં જાન્યુઆરી 2022માં સુધારો કરવામાં આવ્યો હતો અને 10થી ઓછા કર્મચારી ધરાવતા એસ્ટાબ્લીશમેન્ટસ માટે મરાઠીમાં નેઈમ બોર્ડ લગાવવાનું ફરજિયાત કરાયું હતું. સાઈનબોર્ડમાં અન્ય ભાષાના ફોન્ટની સાઈઝ જેટલી જ સાઈઝ મરાઠી ફોન્ટસની રાખવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું.
BMCના લાયસન્સ વિભાગના એક અધિકારીએ કહ્યું કે 'શહેરમાં લગભગ પાંચ લાખ દુકાનો સહિતના એસ્ટાબ્લીશમેન્ટસ છે. જુલાઈના અંત સુધીમાં 94,903 દુકાનોનો બોર્ડની તપાસ કરવામાં આવી હતી અને 3388 એસ્ટાબ્લીશમેન્ટસમાં મહારાષ્ટ્ર શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ એક્ટનો ભંગ થયો હોવાનું જાણવા મળ્યું હતું.
કાયદાનો ભંગ કરનારાઓ પાસેથી જે શોપ કાયદાનો ભંગ કરતા જણાયા હોય તેમને પ્રતિ દિન રૂ.2000નો દંડ કરવામાં આવ્યો હતો. હજુ સુધી દંડ પેટે રૂ.1.35 કરોડ ભેગા કરવામાં આવ્યા છે. મલબાર હિલ, ગ્રાન્ટ રોડ (ડી વોર્ડ), વિક્રોલી, ભાંડુપ (એસ વોર્ડ), વર્લી, પ્રભાદેવી (જી સાઉથ વોર્ડ), બાન્દ્રા, ખાર (એમ વેસ્ટ વોર્ડ), દાદર, સાયન (જી નોર્થ વોર્ડ), અને ભાયખલા (ઈ વોર્ડ)માં ઘણાં એસ્ટાબ્લીશમેન્ટ દ્વારા મરાઠી સાઈનબોર્ડ લગાવવામાં આવ્યું ન હતું અથવા બોર્ડની સાઈઝ અન્ય બોર્ડ કરતા ઓછી હતી.
સપ્ટેમ્બર 2023માં સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજદારોને કહ્યું હતું કે 'મરાઠીમાં સાઈનબોર્ડ મૂકવાથી તમને શું હાનિ થઈ શકે છે? અદાલતી કાર્યવાહીમાં આટલા બધા નાણાં ખર્ચ કરવા કરતા સાઈન બોર્ડ ખરીદીને લગાવી દેવો જોઈએ.' મુંબઈની સંસ્થા ધ ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશને મરાઠી સાઈનબોર્ડ ફરજિયાત લગાવવા સામે વિરોધ કરતી અરજી કરી હતી તેના પ્રતિભાવમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું.
25મી સપ્ટેમ્બરે 2023ના દિવસે સુપ્રીમ કોર્ટે મરાઠી સાઈનબોર્ડ લગાવવા બે મહિનાનો સમય આપ્યો હતો. તે સમય મર્યાદા 25મી નવેમ્બરે પૂરી થયા પછી બીએમસીએ એસ્ટાબ્લીશમેન્ટસનું ઈન્સ્પેક્શન કરી દંડ કરવાની કાર્યવાહી કરી હતી. પહેલી મે 2024ના દિવસથી મરાઠી અથવા દેવનાગરીમાં સાઈનબોર્ડ નહીં લગાવનારા દુકાનો અને પેઢીઓને બમણો પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે તેવો નિયમ લાગૂ કરાયો હતો.