Get The App

બાળકોને ફટાકડાં લઇ દેવા બાબતે ઝગડો થતા પતિના હાથે પત્નીની હત્યા

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
બાળકોને ફટાકડાં લઇ દેવા બાબતે ઝગડો થતા પતિના હાથે પત્નીની હત્યા 1 - image


મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામનો બનાવ

પત્નીએ પહેલાં પતિને મારતા ઉશ્કેરાયેલા પતિએ બાજુમાં પડેલો લાકડાનો ધોકો માથામાં ફટકારી દેતા પત્નીનું મોત

મોરબી: મોરબીના તળાવીયા શનાળા ગામેરહીને મજુરી કરતા પરપ્રાંતીય શ્રમિક દંપતી વચ્ચે બાળકોને ફટાકડા લઇ દેવા બાબતે ઝઘડો થયોં હતો. જેમાં પત્નીએ પતિને માર મારતા પતિએ લાકડાના ધોકા વડે માથાના ભાગે ઘા મારતા પત્નીનું ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. હત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

મૂળ એમપીના વતની અને હાલ ગાળા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા દીપકભાઈ બગ્ગાભાઈ ડામોર (ઉ.વ.૩૫) નામના યુવાને આરોપી નરબેસિંગ ભગ્ગાસિંગ મેડા (રહે હાલ તલાવીયા શનાળા ગામની સીમ, મૂળ રહે એમપી) વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત સાંજે તા. ૨૮-૧૦ ના સાંજના સુમારે મામાની દીકરી ભુરીબેનના દીકરી શકુંતલાનો ફોન આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે તેના માતા પિતાને ઝઘડો થતા પપ્પાએ મમ્મીને માથાના ભાગે લાકડાનો ધોકો મારી દીધો છે અને મમ્મીને માથામાંથી લોહી નીકળે છે. જેથી તેઓ ગાળા ગામથી નીકળી તલાવીયા શનાળા ગામે સોફટન કાર્બન કારખાને ગયા હતા. જ્યાં તેમના મામાની દીકરી ભુરીબેનને સુવડાવ્યા હતા. જે કાઈપણ બોલતા ચાલતા ના હતા માથામાં લાગ્યું હતું.

બનાવ મામલે ભાણેજ શકુંતલા અને વિશાલને પૂછતાં શકુંતલાએ જણાવ્યું હતું કે ભાઈ વિશાલને ફટકડા લેવા હોય. જેથી પપ્પાએ શેઠ પાસેથી રૂા. ૫૦૦૦ ઉપાડ લીધેલ. જે બધા પૈસા મમ્મીને આપી દીધેલ હોય. જેથી ફટાકડા લેવા પપ્પાએ મમ્મી પાસે પૈસા માંગતા પપ્પાને રૂા. ૫૦૦ આપ્યા હતા. જે બધા પૈસાના પપ્પા ફટાકડા લઇ આવ્યા અને બંને ભાઈ બહેને ફટાકડા ફોડી નાખ્યા હતા અને સાંજે જમવા સમયે મમ્મીએ પપ્પાને તું ૫૦૦ ના ફટાકડા કેમ લાવ્યો કહીને મમ્મી પપ્પા સાથે ઝઘડો કરવા લાગ્યા હતા અને મમ્મીએ પપ્પાને મારી લીધું હતું. જેથી પપ્પા ખીજાઈને બાજુમાં પડેલ લાકડાનો ધોકો મારી દીધો હતો. ભુરીબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને બનાવ હત્યામાં પલટાયો હતો. મોરબી તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.


Google NewsGoogle News