મોરબીમાં ભૂગર્ભ ગટર યોજના નિષ્ફળઃ ઠેર-ઠેર ઉભરાતા ગંદા પાણી
- બે માસમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની અસંખ્ય ફરિયાદો
- ગટર યોજનામાં અનેક પ્રકારની ખામીઃ મેઇન્ટેનન્સના વાંકે પાલિકાએ પાણી પુરવઠા બોર્ડ પાસેથી ગટર યોજનાની જવાબદારી ન સ્વીકારતા બંનેની માથાકૂટમાં પ્રજાનો ખો
મોરબી,તા.12 માર્ચ 2020,ગુરુવાર
મોરબીમાં તંત્ર ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા હલ કરવામાં સદંતર નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે જેમાં મોરબી પાલિકામાં છેલ્લા બે માસમાં સેકડો ભૂગર્ભ ગટર ઉભરાવાની ફરિયાદ આવી છે . દરરોજ ૧૦ જેટલી ભૂગર્ભ ગટર ઉભરાવવાની ફરિયાદ આવે છે છતાં પણ તંત્ર કોઈ નક્કર કામગીરી કરવમાં આવતી નથી.
મોરબીમાં થોડા વર્ષો અગાઉ નખાયેલી ભૂગર્ભ ગટર ઠેર-ઠેર ઉભરાઈ રહી છે. કાલિકા પ્લોટ, લાતી પ્લોટ, સાવસર પ્લોટ, મહેન્દ્રપરા, માધાપર, સરદાર બાગ પાસે, સામાંકાઠે રિલીફ નગર, અરુણોદયનગર, વર્ધમાન નગર, રામકૃષ્ણનગર, લાયન્સનગર સહિતના અનેક વિસ્તારોમાં ઘણા સમયથી વારંવાર ભૂગર્ભ ગટરની ગંદકી ઉભરાઈ છે. ગટરના ગંદા પાણી શેરી અને ઘરોમાં ઘુસી જતા સ્થાનિક લોકોનું જીવવું પણ મુશ્કેલ બન્યું છે . લોકોનું અયોગ્ય પણ જોખમાય રહ્યું છે.
આ ગંભીર સમસ્યાની ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા સ્થાનિક લોકોને વારંવાર પાલિકામાં મોરચા માંડવા પડે છે. પણ ઉકેલ કોઈ આવતું નથી ભૂગર્ભ ગટર મુદ્દે બે તંત્ર વચ્ચે હજુ સુધી સંકલન સધાયું નથી. જેમાં અગાઉ પાણી પુરવઠા તંત્રએ નવી ભૂગર્ભ ગટર યોજના કાર્યરત કરી હતી. પણ એમાં અનેક પ્રકારની ખામી રહી જતા પ્રારંભે જ ગટર ઉભરાવવાની સમસ્યા વકરી છે. તેથી, હજુ સુધી એના મેઇન્ટન્સના વાંકે પાલિકા તંત્રએ પાણી પુરવઠા પાસેથી ભૂગર્ભની જવાબદારી સ્વીકારી નથી. જેથી બને વચ્ચે માથાકૂટ પ્રજા હાલ ભોગ બની રહી છે.