માળિયા મિંયાણા નજીક અકસ્માતમાં પદયાત્રિક માતા-પુત્રના કરૂણ મોત
- કચ્છમાં માતાનાં મઢ જતી વખતે ટ્રકચાલકે કચડી નાખ્યા
- ધરમનગર-નવાગામનાં દંપતી અને પુત્રને હડફેટે લીધા બાદ બેકાબુ ટ્રક પણ પલ્ટી ખાઈ ગયો
અકસ્માત સર્જનાર ટ્રકચાલક ફરાર
મોરબી, : માળિયા મિંયાણા તાલુકાનાં રહેવાસી દંપતી અને પુત્ર આજે પગપાળા ચાલીને કચ્છમાં માતાનાં મઢ જવા નીકળ્યા હતા ત્યારે બપોરના સુમારે ટ્રકચાલકે હડફેટે લીધા હતા. જે અકસ્માતમાં ઈજા થવાથી માતા અને પુત્રના મોત થયા હતા તો પતિને ઈજા પહોંચતા રાજકોટ સારવાર અર્થે ખસેડીને માળિયા પોલીસે ટ્રકચાલક સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળિયા મિંયાણા તાલુકાના ધરમનગર (નવાગામ)ના રહેવાસી હરપાલભાઈ ધામેચા, તેમની પત્ની કૈલાશબેન, દીકરો ધામક સહિતના પરિવારજનો કચ્છમાં માતાના મઢ ચાલીને જવા માટે નીકળ્યા હતા. તેઓ શહેનશાહ વલીના પાટિયા પાસે પહોંચ્યા ત્યારે પુરઝડપે ધસી આવેલા ટ્રક નં. જીજે ૧૨ બીવી ૬૩૮૭ના ચાલકે અચાનક જ ત્રણેયને હટફેટે લઈ લીધા હતા.
જે અકસ્માતમાં ઘટનાસ્થળે જ કૈલાશબેન ધામેચાનું મોત થયું હતું તો પુત્ર ધામક અને પતિ હરપાલભાઈને ગંભીર ઈજા થતા રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન પુત્ર ધામકનું મોત પણ થયું હતું. બીજી તરફ અકસ્માત બાદ ટ્રક પલટી મારી ગયો હતો. જે બનાવ મામલે તેમના સંબંધી મેરૂભાઈ નરશીભાઈ ધામેચાએ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક નં. જીજે 12 BV 6387ના ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધી ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
નોંધનીય છે કે, મોરબી જીલ્લામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નવરાત્રિ આવતી હોવાથી કચ્છમાં માતાના મઢ પગપાળા દર્શનાર્થે જતા હોય છે. જેમાં અગાઉ લક્ષ્મીનગર ગામના પાટિયા નજીક અકસ્માતમાં મોરબીના પદયાત્રી વૃદ્ધનું મોત થયું હતું તો આજે સર્જાયેલા અકસ્માતમાં માતા-પુત્રના મોતથી અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.