માળિયા બ્રાન્ચ કેનાલમાં કાર ખાબકતાં દંપતીનું કરૂણ મોત
નવા ઘાટીલા નજીક મંદરકી ગામના નાલા પાસે : હળવદના અજીતગઢ ગામનું દંપતી માળિયાના મેઘપર ગામે પ્રસંગમાં જતું હતું ત્યારે દુર્ઘટના
મોરબી, : હળવદના અજીતગઢ ગામનું રહેવાસી દંપતી માળિયા તાલુકાના મેઘપર ગામે પ્રસંગમાં જવા નીકળ્યું હોય દરમિયાન માળિયા બ્રાંચ કેનાલમાં કાર ખાબકતા દંપતીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું અને યુવાન દીકરા અને પુત્રવધુના મોતને પગલે આહીર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ અજીતગઢ ગામના રહેવાસી રાહુલભાઈ પ્રવીણભાઈ રાઠોડ અને તેના પત્ની મિતલબેન પોતાની કારમાં બેસીને માળિયા તાલુકાના મેઘપર ગામમાં પ્રસંગમાં જતા હતા. ત્યારે નવા ઘાટીલા નજીક મંદરકી ગામના નાલા પાસે કોઈ કારણોસર કાર માળિયાની નર્મદા બ્રાંચ કેનાલમાં ખાબકી હતી જે બનાવની જાણ થતા અજીતગઢ ગામના અગ્રણીઓ અને ગ્રામજનો દોડી ગયા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બંનેની શોધખોળ હાથ ધરી હતી. જો કે તરવૈયાઓની ટીમને પતિ-પત્નીના મૃતદેહ જ હાથ લાગ્યા હતા. બનાવને પગલે માળિયા પોલીસ ટીમ પણ દોડી ગઈ હતી અને દંપતીના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને અકસ્માતના બનાવની નોંધ કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.