મોરબી: લાભ પાંચમનું મુહુર્ત કરતા લુંટારૂ, માળીયા હાઈવે પર કારચાલકને રોકી છરીની અણીએ 6 લાખથી વધુની લુંટ
મોરબી, તા. 09 નવેમ્બર 2021 મંગળવાર
માળિયા હાઈવે પર લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે તો ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમે ઘટના સ્થળે દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી અને વધુ તપાસ ચલાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ કચ્છના નખત્રાણાથી ગોંડલનો એક વ્યક્તિ રોકડ રકમ લઈને કારમાં જતો હતો. એ દરમિયાન મોરબીના સોખડા પાટિયા નજીક પિતૃકૃપા હોટલ પાસે બે શખ્સોએ છરી વડે હુમલો કરીને લુંટ ચલાવી હોવાની પ્રાથમિક માહિતી સુત્રો પાસેથી મળી રહી છે.
અહીં કારચાલક પાસે 6.15 લાખ રૂપિયા હોય તેની લૂંટ થઇ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે તો ઘટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઈ સહિતની ટીમે સ્થળ પર દોડી જઈને વધુ તપાસ ચલાવી હતી. હાઈવે પર લુંટનો બનાવ બનતા વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
માળિયા હાઈવે પર અગાઉ પણ હાઈવે પર લુંટના બનાવ બની ચુક્યા છે તો ફરી હાઈવે પર લુંટનો બનાવ બનતા પોલીસના પેટ્રોલીંગ પર પણ સવાલ ઉભા થયા છે તો બનાવ શંકાસ્પદ જણાતા પોલીસે વિવિધ દિશામાં વધુ તપાસ ચલાવી છે.