મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો મેળાનો પ્રારંભ
- ફાળેશ્વર મંદિરે શિવભક્તોની ભીડ ઉમટી: ભગવાન શિવની શોભાયાત્રા કાઢી બાવન ગજની ધજા ચડાવાઇ
મોરબી, તા. 4 માર્ચ 2019 સોમવાર
મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો પરંપરાગત મેળાનો પ્રારંભ થયો હતો. આજે વહેલી સવારથી રફાળેશ્વર મંદિરમાં શિવભક્તોની ભીડ ઉમટી પડી હતી.
શિવભક્તએ ભગવાન ભોળાનાથના દર્શન કરી ભાંગનો પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી. મહાશિવરાત્રી નિમિતે ભગવાન શિવની શોભાયાત્રા કાઢી રફાળેશ્વર મંદિરે બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી.
મોરબીથી થોડા અંતરે આવેલા રફાળેશ્વર ગામના પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિરે જાબુડિયા ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે આજે મહાશિવરાત્રીના પાવન અવસરે શિવરાત્રીના પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે શિવરાત્રીના મેળા માટે ટોરાટોરા તેમજ ફજેત ફાળકા સહિત 11 રાઈડ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. શિવરાત્રીનો મેળો ગઈકાલે રવિવારની સાંજથી શરૂ થઈ ગયો હતો.
આજે મહાશિવરાત્રીના પાવન અવસરે ભગવાન શિવની આરાધના કરવા માટે વહેલી સવારથી જ રફાળેશ્વર મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભગવાન શિવના દર્શન કરવા માટે સવારથી ભક્તોની કતારો લાગી હતી. શિવભક્તોએ ભગવાન શિવને બીલી પત્ર તથા દૂધ ચઢાવી ભાંગનો પ્રસાદ ગ્રહણ કરી ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતા.
બાદમાં મંદિરના મેદાનમાં યોજાયેલા શિવરાત્રીના મેળાને મન ભરીને માણ્યો હતો. શિવરાત્રી નિમિત્તે શોભાયાત્રા, બાવન ગજની ધજા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ આ ધાર્મિક કાર્યક્રમોનો શ્રધ્ધાભેર લાભ લીધો હતો. તે ઉપરાંત સવારે અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાત્રે ભજનોની રમઝટ બોલાઈ હતી.