મોરબી નજીક ગેસ ટેન્કરમાંથી ગેસ કટિંગનું કૌભાંડ ઝડપાયું : 26.57 લાખની મત્તા જપ્ત
ગાળાની સીમમાં હોટલનાં પટાંગણમાં ટેન્કરમાંથી પાઇપ વડે ગેસની ચોરી
ગેસ ટેન્કરના ચાલક સહિત ૩ સામે ગુનો દર્જ
મોરબી: મોરબી નજીક ગેસ ટેન્કરમાંથી ગેરકાયદે ગેસ કટિંગ કરવાનું કોભાંડ ઝડપાયું છે ટેન્કર ચાલક સાથે મેળાપીપણું કરી અન્ય બે ઇસમોએ માણસની જિંદગી જોખમમાં મુકાય તેવું કૃત્ય કરી ગેસ ટેન્કરમાંથી પ્રોપેન ગેસ કાઢતા હોવાની બાતમીને આધારે પોલીસે સ્થળ પર રેડ કરી ૨૬.૫૭ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપીઓ નાસી જતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવતા વનરાજભાઈ ચાવડાએ આરોપીઓ ગેસ ટેન્કરના ચાલક, સેતાનકુમાર સુર્જનરામ બાંગડવા અને માધવ મીની ઓઈલ મિલના કબ્જા ભોગવટો ધરાવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમીયાન ગાળા ગામની સીમમાં આવેલ સુખસાગર હોટેલના કમ્પાઉન્ડમાં ગેસ ટેન્કરમાંથી પાઈપ વાટે શંકાસ્પદ રીતે ચોરી કરતા હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી ટેન્કર મળી આવ્યું હતું. ટેન્કર પાછળના ભાગે વાલ્વ બોક્સમાં ૩ વાલ્વ આવેલ હોય જેમાં એક વાલ્વમાં એક કાળી નીપલવાળી પાઈપ લગાવેલ જોવા મળી હતી જેના વડે ચોરી કરવામાં આવતી હતી
ટેન્કર વાલ્વ ખુલ્લો હોય અને પાઈપ મારફતે બે ગેસના સીલીન્ડરમાં ગેસ ભરાવવાની પ્રક્રિયા ચાલુ હતી. જેથી પાઈપના વાલ્વ બંધ કરી ટેન્કર સાથે પાઈપ બંને તરફથી છોડાવી જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવામાં આવી હતી અને સ્થળ પરથી અલગ અલગ કંપનીના નાના મોટા ગેસ સીલીન્ડર જોવા મળ્યા હતા જેમાં ૧૧ મોટા સીલીન્ડર ભરેલા અને નાના સીલીન્ડર નંગ ૦૯ મળી આવ્યા હતા ખાલી ૨૭ સીલીન્ડર, તેમજ ખાલી સીલીન્ડર સહીત કુ ૫૦ નંગ સીલીન્ડર કીમત રૂ ૧ લાખ મળી આવતા કબજે લીધા હતા
પોલીસે સ્થળ પરથી નાના મોટા ૫૦ સીલીન્ડર, લોખંડ નીપલ, પાઈપ, વજન કાંટો મોટરસાયકલ અને ગેસ ટેન્કર પ્રોપેન ગેસ સહીત મળીને કુલ રૂ ૨૬,૫૭,૩૫૭ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે