Get The App

મોરબીમાં નવા એરપોર્ટ માટેની ગતિવિધિ તેજ, ઉડ્ડયન વિભાગની ટીમ દ્વારા સાઈટ વિઝિટ

Updated: Dec 6th, 2020


Google NewsGoogle News
મોરબીમાં નવા એરપોર્ટ માટેની ગતિવિધિ તેજ, ઉડ્ડયન વિભાગની ટીમ દ્વારા સાઈટ વિઝિટ 1 - image


- રાજપર ગામે નિયત જમીનનો કબજો મેળવાયો, ટૂંક સમયમાં કામગીરી ચાલુ થવાનો અંદાજ

મોરબી, તા. 6 ડિસેમ્બર 2020, રવિવાર

આનંદો ! મોરબીવાસીઓની વર્ષો જૂની માંગણી પૂર્ણતાના આરે, ટુંક સમયમાં એરપોર્ટ બનશે... મોરબીવાસીઓની વર્ષો જૂની માંગણી હવે પૂર્ણતાના આરે હોય તેવું લાગી રહ્યું છે, થોડા સમયમાં મોરબીવાસીઓને એરપોર્ટ મળે તેવી ઉજળી તકો દેખાઈ રહી છે. ઉડ્ડયન વિભાગની ટીમે રાજપર ગામે સ્થળ વિઝીટ લઈને એરપોર્ટની જમીનનો કબજો મેળવી લીધો હોવાની માહિતી મળી છે.

મોરબીના રાજપર ગામે એરપોર્ટ બનાવવાની ગતિવિધિ તેજ બની છે. ઉડ્ડયન વિભાગના સુપ્રીટેન્ડેન્ટ ઈજનેર રાયજાદા અને જમીન સંપાદન અધિકારી સમીર બૂંદેલાએ ગઈકાલે રાજપર ગામે એરપોર્ટની જગ્યાની મુલાકાત લીધી હતી અને સ્થાનિક તંત્ર પાસેથી જમીનનો કબજો મેળવ્યો હતો. આ દરમિયાન માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશભાઈ આદ્રોજા અને તાલુકા પંચાયત સદસ્ય વિજયભાઈ કોટડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા તેમ એરપોર્ટની સરકારમાં લેખિત માંગણી કરનાર વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી હસુભાઈ ગઢવીએ જણાવ્યું હતું.

હવે ટૂંક સમયમાં ડીઆઈએલઆર અને ડીમાર્કેશનની કાર્યવાહી હાથ ધરાશે. હાલ એરપોર્ટ માટે રૂા. ૪૦  કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાંથી ત્યાં કમ્પાઉન્ડ વોલ, રનવે અને બિલ્ડીંગ બનાવવામાં આવનાર છે. અહીં દોઢ કિ.મી. લાંબો રન-વે બનાવવામાં આવશે. એરપોર્ટનું કામ એક કે દોઢ વર્ષમાં પૂર્ણ થઈ જાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે, મોરબીમાં સન ૧૮૮૦માં તત્કાલીન પ્રજાવત્સલ રાજવી સર વાઘજી ઠાકોરે રાજપર ગામે એરપોર્ટ બનાવડાવીને વિમાની સેવા ચાલુ કરાવી હતી. અહીંથી અમદાવાદ અને મુંબઇ જેવા મોટા શહેરો સુધી વિમાન ઉડતા હતા. ત્યારબાદ કાળક્રમે વિમાની સેવા બંધ થઇ ગઇ હતી. 


Google NewsGoogle News