હેલ્મેટ મેન ઓફ ઈન્ડિયાઃ 60 હજાર હેલ્મેટ વહેંચી

Updated: May 31st, 2024


Google NewsGoogle News
હેલ્મેટ મેન ઓફ ઈન્ડિયાઃ 60 હજાર હેલ્મેટ વહેંચી 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટવાળા કયારેક બાઈક-સ્કૂટરવાળાને હેલ્મેટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજતા હોય છે. સરકારી ખર્ચે અથવા તો કોઈ દાતા મળી જાય તો દાનની રકમમાંથી હેલ્મેટો ખરીદી બાઈક સવારોને પહેરાવવામાં આવતી હોય છે. પરંતુ હેલ્મેટ મેન ઓફ ઈન્ડિયાનું બીરૂદ મેળવનાર રાઘવેન્દ્રકુમાર નામના એકલવીરે તો પોતાના ખર્ચે ભારતના ૨૨ રાજ્યોમાં ૬૦ હજારથી વધુ હેલ્મેટ ભેટ આપી હજારો લોકોના જીવ બચાવ્યા છે. હેલ્મેટ વગર ટુ-વ્હીલર ચલાવી જીગરજાન મિત્ર અકસ્માતનો ભોગ બન્યો એ ઘટનાએ રાઘવેન્દ્રકુમારને અંદરથી હચમચાવી નાખ્યા. મિત્રના પરિવારમાં કોઈ કમાનાર ન રહ્યું. રાઘવેન્દ્રકુમારે મક્કમ નિર્ધાર કર્યો કે કોઈ ટુ-વ્હીલર સવાર અકસ્માતમાં મોતને ન ભેટે માટે હું મફતમાં હેલ્મેટ વહેંચીશ. બિહારના કૈમૂર જિલ્લાના રાઘવેન્દ્ર કુમારે કોર્પોરેટ કંપનીની નોકરી છોડી દીધી, પત્ની અને બાળકોને વતન મોકલી દીધા જ્યાં ખેતીવાડીની આવકમાંથી પરિવારનું ગુજરાન ચાલે એવી વ્યવસ્થા કરી. ત્યાર પછી શહેરમાં જે ફલેટ હતો તે  વેંચી નાંખ્યો અને બેંકમાં જે બચતની રકમ હતી એ હેલ્મેટો ખરીદવામાં ખર્ચવા માંડયા. એક હિન્દી રાષ્ટ્રીય અખબારના અહેવાલ મુજબ હેલ્મેટ મેન ઓફ ઈન્ડિયાએ પોતાના પૈસે ૨૨ રાજ્યોમાં ૬૦ હજારથી વધુ હેલ્મેટનું વિતરણ કરી એક અનોખો વિક્રમ નોંધાવ્યો  છે.  હેલ્મેટ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તેઓ આખા દેશમાં ફરે છે. સાર્વજનિક સમારંભોમાં તેઓ હેલ્મેટ પહેરીને જ જાય છે. હવે યુનિવર્સિટી અને કોલેજોમાં હેલ્મેટ બેન્ક ઊભી કરવાનો તેમનો ઈરાદો છે. સ્ટુડન્ટસ પોતાનું આઈ-કાર્ડ દેખાડી બેન્કમાંથી હેલ્મેટ લઈ જાય અને ઉપયોગ કરી લે એટલે પાછી આપી જાય. કારણ બાઈક-એક્સિડન્ટનો ભોગ બનનારા મહદ અંશે યંગસ્ટર્સ અને કોલેજિયનો જ હોય છે. રાઘવેન્દ્ર કુમાર કહે છે દેશમાં દર મિનિટે આઠ યુ-વ્હીલર સવાર યુવકોને અકસ્માત નડે છે. અનેક કિસ્સામાં જો નકલી હેલ્મેટ પહેરી હોય તો તે અકસ્માત વખતે માથાનું રક્ષણ કરી નથી શકતી. લગભગ એંસી ટકા હેલ્મેટ નકલી હોય છે. એટલે જ હેલ્મેટની વહેંચણીની સાથે જનજાગૃતિનો ભેખ ધરીને હેલ્મેટ મેન ઓફ ઈન્ડિયા દેશભરમાં આહલેક જગાવતા ફરતા રહે છે. આ એકલવીરના અનોખા અભિયાનને જોઈ કહેવું પડે કેઃ

હેલ્મેટમેન માથા અને ઘર

ભાંગતા બચાવે

એની સલાહ બાઈકરો

હોંશથી પચાવે.

પતિ કરે દૂધમાં ભેળસેળ તો કયાંથી રહે મનમેળ?

ધાર્યું ધણીનું થાય એ કહેવત ફેરવીને કહેવી પડે કે અણધાર્યું ધણિયાણીનું થાય એવો એક રાજસ્થાનમાં બન્યો. દૂધ વેંચવાનો ધંધો કરતો રતિ દૂધમાં પાણી ભેળવે છે એ જાણીને ખફા થયેલી  પત્નીએ પતિને ઉઘાડો પાડયો એટલું જ નહિં પતિને પડતો મૂકી પિયર ચાલી ગઈ.  આગ્રાની યુવતી ના લગ્ન રાજસ્થાનના યુવક સાથે થયા હતા. યુવતી ધાર્મિક સ્વભાવની હતી અને પતિ અપ્રામાણિકતાથી પૈસા કમાતો એ તેને જરાય પસંદ નહોતું. એટલે પતિને દૂધમાં ભેળસેળ ન કરવાની સલાહ આપી એટલે વિફરેલા વરે મારઝૂડ કરી. પછી તો આ મામલો પોલીસમાં પહોંચ્યો અને ભારે ધજાગરો થતા નહોતી ખબર એનેય ખબર પડી ગઈ કે કોણ દૂધમાં પાણી ભેળવીને વેંચે છે. પત્ની એવી વટવાળી કે સગા-વ્હાલા અને કાઉન્સેલરોએ બહુ સમજાવી કે તું સાસરે પાછી જા, પણ એક જ વાક્યમાં પોતાનો મક્કમ સંકલ્પ જાહેર કરી દીધો કે પતિ દૂધમાં ભેળસેળ બંધ કરશે તો જ સાસરે જઈશ, નહીંતર નહીં જાઉં. પતિ અને પત્નીના નિયતનો આ કિસ્સા પરથી અંદાજ આવી ગયો આને માટે જ હિન્દીમાં કહેવત છે ને કે દૂધ કા દૂધ ઔર પાની કા પાની... પતિ કરે દૂધમાં ભેળસેળ તો ક્યાંથી રહે બન્ને વચ્ચે મનમેળ?

કાંચીપુરમ સાડી બહુ ભાવ ખાય છે

ગાડી બુલા રહી હૈ... એ ગીતને જરા ફેરવીને ગાઈ શકાય કે સાડી બુલા રહી હૈ... કારણ જુદા જુદા પ્રાંતની અને જુદી જુદી ભાતની અઢળક વરાઈટી ધરાવતી રંગબેરંગી સાડીઓ  જાણે સાદ કરે છે એટલે ગાવું પડે કે સાડી બુલા રહી હૈ... સીટી બજા રહી હૈ... જો કે કાંચીપુરમ સાડીના ભાવમાં જંગી વધારાને લીધે વધેલી કિંમત સામે મહિલાઓને ચેતવવા જાણે સીટી વગાડવામાં આવી રહી છે. દક્ષિણના કાંચીપુરમ શહેરની આગવી ઓળખ બની ગયેલી કાંચીપુરમ સિલ્ક સાડીમાં સાચા સોના-ચાંદીના તાર વણવામાં આવેલા હોય છે. હવે જ્યારે સોના અને ચાંદીના ભાવ સતત ઉંચેને ઊંચે  ચડતા જાય છે તેની સીધી અસર કાંચીપુરમ સાડીની કિંમત પર પડી છે. છેલ્લાં ૮ મહિનામાં કાંચીપુરમ સાડીની કિંમતમાં  ૫૦ ટકા વધારો થયો છે. કાંચીપુરમ સાડીની પ્રાઈઝની રેન્જ જોઈને ખરેખર આશ્ચર્ય થાય. ૨૦ હજારથી અઢી લાખ રૂપિયા સુધીના ભાવે કાંચીપુરમ સાડીનું વેચાણ થાય છે. 

પણ સાડીના ભાવ ખૂબ વધવા માંડતા કસ્ટમરો સોના અને ચાંદીના તાર વગરની સાડીઓ ખરીદવા માંડયા છે. એટલે એક અંદાજ પ્રમાણે છેલ્લાં થોડા મહિના દરમિયાન, કાંચીપુરમ સિલ્ક સાડી ઉદ્યોગને લગભગ ૧૦ હજાર કરોડનું નુકસાન થયું છે. મોંઘી દાટ કાંચીપુરમ સાડીની ઊંચી ઊંચી કિંમત જાણીને જોડકણું કહેવાનું મન થાય કેઃ

વાહ વાહ કાંચીપુરમ સાડી

ભાવ સાંભળી બહેનબાએ

રાડ પાડી

અર... ર... ર... માડી.

કોટામાં વાહનો

દોડાવતા કેદીઓ

મુંબઈ જેવાં શહેરમાં પેટ્રોલ ચોરી કરતા કોઈ ચોર ઝડપાય ત્યારે તેણે જેલના સળિયા ગણવાનો વારો આવે છે. રસ્તા ઉપર જ નહીં મધદરિયે પણ પેટ્રોલ-ડિઝલ ચોરતી ટોળકીઓ સક્રિય છે. તાજેતરમાં જ કોસ્ટ-ગાર્ડના જવાનોએ જંગી ટેન્કર શિપમાંથી ઈંધણની ચોરી કરી બારોબાર  વેંચી નાખતી ગેન્ગને ઝડપી લીધી હતી આવી પરિસ્થિતિમાં કોઈ કહે કે રાજસ્થાનમાં કોટા શહેરમાં જેલના કેદીઓ વાહનોમાં પેટ્રોલ પૂરે છે તો કેવી નવાઈ લાગે? હકીકતમાં કોટાની જેલના પરિસરમાં જ પેટ્રોલ-પમ્પ શરૂ કરવામાં આવ્યો છે. 

જેલના કેદીઓ જ આ પેટ્રોલ-પમ્પ ચલાવે છે અને વાહનોમાં ઈંધણ ભરવાનું કામ કરે છે. આમ બંદિવાનોને મહેનતાણું મળવા માંડયું છે અને જેલને લાખો રૂપિયાની આવક થવા માંડી છે. અત્યારે કારાગૃહોમાં કેદીઓને સુધરવાની તક આપવામાં આવે છે અને સજા પૂરી કરી બહાર આવે ત્યારે બેરોજગારીના દિવસો જોવા ન પડે એવી તાલીમ આપવામાં આવે છે. કોટાના કેદીઓના આ અનોખા પેટ્રોલ-પમ્પ વિશે જાણીને કહેવું પડે કેઃ

આકરી સજા કરી રીઢા

બનાવે એ ખોટા

પણ સુધરીને રોજગારીની

તક આપે એ મોટા.

પંચ-વાણી

ઈશ્વર કો મન કે અંદર

ખોજના ઔર ખો-જાના.


Google NewsGoogle News