Get The App

રોટલી મોડી પીરસાતાં લગ્ન ફોક

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
રોટલી મોડી પીરસાતાં લગ્ન ફોક 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

દીકરો પરણવાલાયક થાય ત્યારે મા કહેતી કે રોટલા ઘડનારી તો લાવી દે ગગા!  હું ક્યાં સુધી ચુલા સામે શેકાતી રહીશ?  રોટલા ઘડનારી કે ગરમાગરમ ફુલકા રોટલી પીરસનારી પરણીને ઘરે આવે ત્યારે વરજી ખુશ ખુશ થઈ જાય છે, પરંતુ રોટલી ખાતર લગ્ન ફોક કરવામાં આવે ત્યારે કેટલું આશ્ચર્ય થાય! ઉત્તર પ્રદેશમાં આવું જ થયું.  કન્યાને માંડવે વરરાજા જાન લઈને વાજતે ગાજતે પરણવા આવ્યા.  કન્યાપક્ષવાળાએ આગતાસ્વાગતા કરવામાં કોઈ કસર ન છોડી. જમણવારમાં જાત જાતની વાનગીઓ પીરસાઈ, પરંતુ વરરાજાની થાળીમાં રોટલી પીરસાતાં બહુ વાર લાગી એટલે વરરાજા વટક્યા, જમ્યા વિના ઊભા થઈ ગયા અને ઉદ્ધતાઈથી રાડ પાડીઃ  જ્યાં દુલ્હેરાજાને  રોટલી પીરસવામાં આટલી વાર લાગે ત્યાં  મારે લગ્ન કરવાં જ નથી... હું લગ્ન ફોક કરૃં છું! આટલું બોલીને વરરાજા ચાલતા થઈ ગયા, બોલો! આવી નજીવી વાતમાં લગ્ન ફોક  કરી નાખે એવા વરરાજાને  જોઈને કહેવું પડે કે-

ગદર્ભને કહેવાય ખર

આવા ખર-રાજા ન કહેવાય વર.

બેટી કી ડોલી કે બદલે ગોલી

કન્યા ડોલીમાં બેસીને વિદાય લેતી  હોય ત્યારે પિતાના હૈયામાંથી  જાણે કવિ દાદનું ગીત પડઘાનું  લાગેઃ કાળજા કેરો કટકો મારો ગાંઠથી   છૂટી ગયો... પણ મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં એક જાલીમ પિતાએ પ્રેમી સાથે પરણવાની જીદ કરતી દીકરીની છાતીમાં ગોળી ધરબી દઈને એને કાયમ માટે  વિદાય કરી  દીધી હતી. ૨૦ વર્ષની કન્યાનાં જે દિવસે લગ્ન નિર્ધાયાં હતા એ જ દિવસે પંયાચત અને પોલીસની નજર સામે બાપે બેટીને ઠાર કરી હતી. આ પહેલાં દીકરીએ સોશિયલ મીડિયામાં વાઈરલ કરેલા વીડિયોમાં જણાવ્યું  હતું કે એ જેની સાથે પરણવા માગે છે તેની સાથે પરણાવવા પરિવારજનો તૈયાર નથી. મારી મરજી વિરુદ્ધ બીજા સાથે પરણવા મારા ઉપર દબાણ કરે છે, જાનથી મારી નાખવાની  ધમકી આપે   છે. જો મને કાંઈ થાય તો એને માટે મારો પરિવાર જવાબદાર રહેશે. 

આ વીડિયો  વાઈરલ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેની ટીમ કન્યાના ઘરે ઘસી ગઈ હતી. આ મામલે મધ્યસ્થી કરવા માટે પંચાયત બોલાવવામાં આવી હતી.  આ વખતે પિતાએ કહ્યું હતું કે એ પોતાની દીકરીને સમજાવવાનો પ્રયાસ કરવા માગે છે. એમ કહી દીકરીને થોડે દૂર લઈ જઈ પોલીસ અને પંચાયતની  નજર સામે દીકરીને ઠાર કરી હતી. કન્યા જીવતી ન રહે એ માટે તેના પિતરાઈ ભાઈએ બહેનના માથા, ગરદન, આંખ અને નાક પર પોતાની પિસ્તોલમાંથી ધડાધડ ગોળીઓ છોડી  હતી.  આમ જાલીમ બાપે દિકરીને કાયમ માટે વળાવી દીધી હતી. આ કિસ્સો  જાણીને કહેવું પડે કે-

પૂરી પંચાયત બોલી

બેઠી કી ઉઠી નહીં ડોલી

ઉસકે બદલે લગી ગોલી.

ચલણી નોટ પર લખાણઃ મારી સાસુ જલ્દી મરે

મંદિરોની દાનપેટીઓ ચલણી નોટોથી રીતસર છલકાઈ જતી હોય છે, પણ દક્ષિણના  એક મંદિરમાં વઢકણી સાસુ સામેનો રોષ નોટ ઉપર છલકાઈ ગયો હતો.  કર્ણાટકના  કાલબુર્ગીના ભાગ્યવંતી દેવીના મંદિરમાં કોઈ ભક્તજને  ૨૦ રૂપિયાની નોટ દાનપેટીમાં  નાખી હતી જેની ઉપર લખેલું હતું કે, 'કાશ મારી સાસુ જલ્દી મરે.' મંદિર પ્રશાસને દાનની રકમની ગણતરી માટે જ્યારે દાનપેટી ખોલી ત્યારે તમિલ ભાષામાં  'કાશ મારી સાસુ જલ્દી મરે'  એવાં લખાણવાળી નોટ નિકળતા ચોંકી ગયા હતા.  બીજું કોઈ  લખ્યું  ન હોવાથી આ મનોકામના કોઈ સાસુપીડિત વહુએ  વ્યક્ત કરી છે કે પછી કોઈ જમાઈ રાજાએ વ્યક્ત કરી છે એ જાણવા નથી મળ્યું.

એક જમાનામાં ઘરે ઘરે  સાસુઓ વહુઓ ઉપર ત્રાસ ગુજારતી. હિન્દી ફિલ્મના પડદા પર લલિતા પવાર વઢકણી સાસુમાનો પર્યાય બની ગઈ હતી. જોકે આજ જમાનો બદલાયો  છે. સંયુક્ત કુટુંબ રહ્યાં નથી. હસબન્ડ-વાઈફ અને એક-બે બાળકોના નાના કુટુંબ સુખી કુટુંબ જોવા મળે છે. શિક્ષણનો વ્યાપ વધવાથી અને કાયદાની કડક જોગવાઈથી કૈંક સાસુઓ સમજીને રહેવા માંડી છે. આ પરિસ્થિતિમાં પણ કોઈ એવી પ્રભુને વિનવણી કરે કે કાશ! મારી સાસુ જલ્દી મરે... ત્યારે કેવી નવાઈ લાગે!

મોજથી ઉપાડો પથ્થરનો બોજ

'કોઈ પથ્થર સે ના મારે મેરે દીવાને કો'... 'ગીત ગાયા પથ્થરોંને...' હિન્દી ફિલ્મોમાં પથ્થરનો ઉલ્લેખ કરીને અઢળક ગીતો આવી ગયાં છે. ફિલ્મના ટાઈટલમાં પણ પથ્થર શબ્દનો સતત ઉપયોગ થતો રહ્યો છે. જોકે ખરેખર હોંશે હોંશે  વજનદાર પથ્થર ઉપાડવાની અજબની પ્રથા તો તામિલનાડુમાં જ જોવા મળે. પાકની લણણી (હાર્વેસ્ટિંગ)ના ઉત્સવ તરીકે ઉજવાતા પોંગલના તહેવાર વખતે ઘસીને એકદમ ગોળ દડા જેવા કરેલા ૮૦થી ૧૦૦ કિલોના વજનદાર  પથ્થર  ઉપાડી અવનવા સ્ટંટ કરવામાં આવે છે. જ્યારે લોકો પોતાના પુત્રને પરણવા લાયક જાહેર કરવા માગતા હોય ત્યારે તેની પાસે આવા સ્ટંટ કરાવે છે, જેથી ગામની કન્યાઓનાં માતા-પિતાની નજરે ચડી શકે. હળવાશથી કહી શકાય કે પરણીને યુવકમાં સંસારનો ભાર ઉપાડવાની ત્રેવડ છે કે નહીં એનો ટેસ્ટ લેવા  આ પ્રથા શરૂ થઈ હશે!  મજાની વાત એ છે કે છેલ્લાં થોડાં વર્ષોથી  તો પુરૂષોની  સાથે સ્ત્રીઓ પણ ખભે પથ્થરો  ઉંચકીને સ્ટંટ કરતી જોવા મળે છે. એવી કલ્પના કરી શકાયકે કોઈ કન્યાએ એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીને  ધુત્કારીને કાઢી મૂક્યો હોય એ પ્રેમી કન્યાને ખભે પથ્થરનો બોજ ઊંચકી સ્ટંટ કરતી જોઈને ગાઈ ઉઠશે કેઃ 'પથ્થર કે સનમ... તુઝે હમને ંહમેં મહોબ્બત કા ખુદા જાના...'

83 વર્ષની જૈફ વયે પણ અવિરત સફાઈ યજ્ઞા

ગીતાનો ઉપદેશ છે ફળની આશા વગર કર્મ કર્યો જા... આ ઉપદેશ જીવનમાં ઉતારીને બેંગ્લોરના ૮૩ વર્ષના સૂર્યાનારાયણ છેલ્લાં ૨૪ વર્ષથી સવારમાં હાથમાં ઝાડુ લઈ કચરાની સફાઈ માટે નીકળી પડે છે. આ સાફસૂફીના  કામમાં કોઈ મદદે આવશે એ આશાએ હાથ જોડીને બેસી રહેવાને બદલ મનોમન 'એકલા ચાલો રે...'નો નાદ ગજાવતા જૈફ જવાન નીકળી પડે છે. ઓટોમોબાઈલ કંપનીમાં મેનેજરપદેથી રિયાટર થયા પછી જરા પણ ટાયર્ડ ન થયેલા  સફાઈ યોદ્ધાએ છેલ્લાં ૨૪ વર્ષ દરમિયાન વૃક્ષારોપણ કરી સમગ્ર વિસ્તારને હરિયાળો બનાવી દીધો છે. સવારે ૫૦ મીટરના રસ્તા પર કચરો વાળીને એ કચરાનો ઉપયોગ કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવા માટે કરે છે. જે કામ સ્થાનિક મ્યુનિસિપાલિટી નથી કરી શક્તી એ કામ કરતા આ મિસ્ટર ક્લીનનો વીડિયો વાઈરલ થયા પછી ચાર તરફથી  તેમની તારીફ કરવામાં  આવે છે. જોકે આ એકલવીર નમ્રતાપૂર્વક કહે છે કે મને નામથી શું કામ? મને તો સફાઈના કામથી કામ!

પંચ-વાણી

મનથી ચાહે-મનપતિ

રમૂજી રાજ્જા-ફનપતિ

માલેતુજાર ધણી-ધનપતિ

ગેન્ગસ્ટર હસબન્ડ - ગન-પતિ.


Google NewsGoogle News